Thursday, July 4, 2013

સુનુ કપીશ લંકાપતી વિરા, કૈસી વિધી તરીયે જલધી ગંભીરા સંકૂલ મકર ઉરગ ઝષજાતી, અતી અગાધ દૂસ્તર સબ ભાંતી કહે લંકેશ સુનહું રઘુ નાયક, કોટી સિંધુ સોષક તવ સાયક જદપિ તદપિ નિતી અસ ગાઇ, વિનય કરીએ સાગર સમજાઇ દોહરોઃ-

આ દેહમાં આ જીવાત્મા મારો જ સનાતન અંશ છે. અને આ ત્રિગુણમય માયામાં સ્થિત થઇને મન સહિત પાંચે ઇન્દ્રિયોને આકર્ષણ કરે છે. તો આરંભનો વિચાર કરીયે તો ઇશ્વરના જીવો ઇશ્વરરૂપ જ નિર્દોષ નિત્યશુધ્ધ નિત્યબુધ્ધ તથા નિત્યમુક્ત હતા. જો આમાં જીવની પોતાની કાંઇ પણ સ્વયંકૃતિ ન હોય તો ઇશ્વર નિર્દોષ જીવોને પાપ પુણ્ય વાસના અવિદ્યા ઇત્યાદીકથી દોષીત શા માટે કરે? અને જો કરે તો ઇશ્વરની નિર્દયતા સિધ્ધ થાય. તે વાત તો કોઇ શાસ્ત્ર કે સંતને પણ સ્વીકાર્ય નથી. તો ઇશ્વરની કરૂણા તથા દયાળુપણું છે તે ઉઠી જાય. માટે ઇશ્વરને તો નિર્દોષ જ માનવા પડશે. પરંતુ તેવા વિચારમાં બહુ ઉંડે ઉતરતા કે કલ્પના કરતાં જેનો કદી પણ અંત ના મળે કે સમાધાન ન મળે તેની કલ્પના કરવી તે કાલક્ષેપ (સમયનો બગાડ) કરવા જેવું છે. કારણ કે જે વસ્તુનો આરંભ જોઇ ન શકાય તેને માટે કાંઇ પણ કલ્પના કરવી તે વ્યર્થ છે. તેથી વેદાંતમાં બ્રહ્મ, માયા, ઇશ્વર, જીવ, તેનો સંબધ તથા પરસ્પરનો ભેદ આ છ વસ્તુને અનાદિ માનેલ છે. તેમા બ્રહ્મ એક જ અનાદિ તથા અનંત છે. અન્ય પાંચ અનાદિ સાંત માન્યા છે. તેથી આપણે તે નક્કી કરવું મુશ્કેલ છે કે પ્રારબ્ધ કોણે બનાવ્યું.
તેમાં બે કારણો મુખ્ય છે કે જો ઇશ્વર પ્રારબ્ધ બનાવે કે જીવને આપે તો જીવ પ્રારબ્ધથી મુક્ત થવામાં કે દુર કરવામાં પોતે પરાધિન સિધ્ધ થાય. જે પ્રારબ્ધ આપે તે જ પ્રારબ્ધને દુર પણ કરી શકે. અને તેવી પણ એક માન્યતા છે કે ઇશ્વરે જીવને પ્રારબ્ધ આપ્યું છે અને ઇશ્વર જ તેને દુર કરે. તેમાં ઇશ્વરની ભક્તિ કરીને ઇશ્વરને પ્રસન્ન કરવા જોઇએ. પછી પ્રસન્ન થયેલા ઇશ્વર જીવનો સ્વીકાર કરીને પોતાની માયાને હુકમ કરે છે કે તેને મુક્ત કર. તેમાં પણ ઇશ્વર પોતે પોતાની માયા શક્તિ દ્વારા સઘળું કરે છે. મે સંસારકે હાથોમેં, સંસાર તુમ્હારે હાથોમેં. ઇશ્વરના હાથમાં તેની માયા છે, સંસાર છે. માયા કે સંસારના હાથમાં જીવ છે. તેથી ઇશ્વર પોતાની ભક્તિ દ્વારા પ્રસન્ન થઇને જીવને પ્રારબ્ધથી મુક્ત કરે. આ થઇ જીવ, જગત તથા જગદીશને સાચા માનનારા આચાર્યોની માન્યતા. આ માન્યતામાં જીવ પરાધિન છે, તેથી પ્રારબ્ધથી મુક્ત થવામાં પણ પોતે સ્વતંત્ર નથી.
હવે જોઇએ વેદાંતમત – યોગવશિષ્ઠનો અજાતવાદ
તો વેદાંતમતે તો પરબ્રહ્મ પરમાત્માથી અન્ય કોઇ માયા કે અવિદ્યા તેવી વસ્તુ નથી. બસ નિર્ગુણ, નિરાકાર, નિર્લેપ, નિરંજન, નિર્વિશેષ સતા સામાન્યરૂપે એક અને દેશકૃત, કાલકૃત તથા વસ્તુકૃત પરિચ્છેદથી રહિત વિભુ તથા વ્યાપક બ્રહ્મ છે. અને માયાનો બ્રહ્મમાં આત્યંતિક અભાવ સ્વીકારેલો છે. તેથી નિર્ગુણ બ્રહ્મ નિરવયવ, નિરાકારમાં તો સૃષ્ટિ નથી. અને વેદાંતને સૃષ્ટિ સ્વીકાર્ય પણ નથી. તેથી સૃષ્ટિ છે જ નહીં. સૃષ્ટિનો સ્વીકાર કરવો હોય તો અધ્યારોપમાં કરો. અપવાદમાં સૃષ્ટિ નથી. તો અધ્યારોપ શુ છે? તો કહેવાનું કે અધિષ્ઠાનમાં થયેલો વસ્તુના અભાવમાં ભાવનો થયેલ આરોપ. જેમ રજ્જુમાં સર્પ નથી. સર્પ વસ્તુનો અભાવ છે છતાં સર્પનો ભાવ થયો અને તે સર્પભાવનો આરોપ તે અધિષ્ઠાન રજ્જુમાં અધ્યારોપ. તેમજ બ્રહ્મમાં માયા, અજ્ઞાન, અવિદ્યા જે કહેવું હોય તે કહો, તો કે અજ્ઞાન શું? તો કહે કે જે કોઇ વસ્તુનું જ્ઞાન નહીં તે અજ્ઞાન. તો માયા શબ્દ પણ જે માપે તે માયા, ભેદ પાડે તે. અને બીજારૂપ વસ્તુ કાંઇ ન હોય અને દેખાડે તે માયા. ઇન્દ્રજાલ કે મદારીનો ખેલ એ વિષયમાં વર્ણન કરવાની જરૂર નથી. તેથી આપણે તે વસ્તુને વિચારી ગયા છે કે અજ્ઞાન કે માયા તેવી કોઇ પણ વસ્તુ નથી. વસ્તુને ન જાણવી બસ તેનું નામ અજ્ઞાન. રજ્જુ જ હતી પણ ભ્રાંતિથી સાપરૂપે ભાસતી હતી. જેવી રજ્જુને જાણી કે તેનું જ્ઞાન થયું કે રજ્જુ જ રહી. બસ અજ્ઞાન તે કોઇ પણ વસ્તુ નથી. એટલે વેદાંત કહે છે જીવને પ્રારબ્ધ કોઇએ આપ્યું કે બનાવ્યુ નથી. જીવ પોતે આપ આપ જેમ વાંદરો કે પોપટ બંધાય છે તેમ બંધાય છે.
વાંદરો મુઠી ચણા માટે કુપમાં બંને હાથ નાખીને બંધ થઇ જાય છે તેમાં બંધનનું કારણ બીજું કાંઇ પણ નથી. ચણા ખાવાની ઇચ્છા, વાસના, સ્વાદ. મુઠી છુટતી નથી, બંધન છુટતું નથી તે તો કહેવું વૃથા છે. કારણ કે કોઇએ તેને બાંધ્યો નથી. આ ચણા ખાઇશ તો મજા આવશે તેવી સ્વાદની લાલચ, સુખ તે પણ અજ્ઞાન જ છે. તેને તે ખબર નથી હોતા કે આની પાછળ જેમાં સુખ નથી પરંતુ થોડી વસ્તુની લાલસા કે વાસનાએ પ્રવૃતિ કરાવી. બંધનથી તે જ ક્ષણે મુક્ત થઇ શકે છે પણ મમત્વ, ઇચ્છા, ચણાની મુઠી છોડવા દેતી નથી અને બંધાયો. પ્રારબ્ધ વળગ્યું, પોતે જ બનાવ્યું, પોતે જ ઇચ્છા વાસના કરીને રચ્યું. અને પોપટ પણ સ્વતંત્ર છે. નલીમાં બંધન પામે છે. ઉડતો નથી. પાંખો છે, નલીથી પગ છોડતો નથી અને ભ્રાંતિમાં પડે છે કે મને કોઇએ પકડ્યો છે.
બસ તેમજ આપણું જીવનું પણ છે. તેથી અજ્ઞાન ક્યારે વળગ્યું તે કહેવું અશક્ય છે. કારણ કે તેનો આદિ નથી. અને અજ્ઞાન ક્યાંથી આવ્યું તે પણ અજ્ઞાનીનો જ પ્રશ્ન છે, જ્ઞાનીનો નથી. આપણે નિંદ્રામાં કેમ સરકી ગયા, ક્યારે સ્વપ્ન શરૂ થયું તે જાણતા નથી. બસ બે સાવધમાં પોતાપણાની ભાન ગુમાવવી અને અન્ય કૃતિમાં લાગી જવું તેનું નામ જ અજ્ઞાન છે. તેથી પ્રારબ્ધ કોણે બનાવ્યું તેમાં વેદાંત મત સુંદર લાગે છે. અને આપણો પણ આપણા સત ચિત આનંદ સ્વરૂપનો જે સ્વભાવ તથા સ્વતંત્રતાનો વિચાર કરવાથી પણ ઠીક સમજાય છે કે વ્યક્તિ સ્વતંત્ર છે અને રહેવા પણ ઇચ્છે છે. તેથી પ્રારબ્ધ કોણે કર્યું કે બનાવ્યું તે પ્રશ્ન પુરો થાય છે. અને કેમ બન્યું તે પ્રશ્ન પણ પુરો થાય છે. કારણ કે ઉપરના દ્રષ્ટાંતથી તે બની ગયું છે, બનાવ્યું નથી. કેમ બન્યું તો કહે બસ આવી રાતે સુર્ય મધ્યાન્હનો પ્રકાશતો હતો અને ચાલતાં ચાલતાં ઠેસ લાગી તેમાં પડ્યાં અને લાગ્યું. તો સુર્યનો કે તેના પ્રકાશનો શું દોષ? બસ હોશ ન રહી. બેહોશીરૂપી અંધકારને કારણ બન્યું, બની ગયું.
તો પ્રશ્ન ત્રીજો શા માટે બનાવ્યું કે બન્યું તેનું કારણ પણ તે જ અનાદિ અજ્ઞાન, અવિદ્યા, વાસના આ સઘળા અનાદિ છે. તેથી સૃષ્ટિ નવિન છે તેવું કાંઇ નથી. નિત્ય છે. થતી રહે. કલ્પ, મહાકલ્પ, સર્ગ, વિસર્ગ ઇત્યાદી કોઇ અનાદિકાળની અવિદ્યાભુમિમાં રહેલી વાસના, કામના અને આ કામના કે વાસના જે ઉદ્ભવે તો તેની સાથે તે પુર્તિ માટેનો જે પ્રયત્ન કે પુરુષાર્થ થયો તે કર્મ. તેથી અવિદ્યા ભુમિમાં કામ તથા કર્મના સંસ્કાર રહેલા છે. જેમ સુષુપ્તિમાં કામ, કર્મના સંસ્કાર છે અને તે જાગૃત થતાં સ્વપ્ન સૃષ્ટિ તથા જાગૃત સૃષ્ટિને કલ્પી લે છે. તેમ અનાદિ અવિદ્યાને કારણ જીવને વાસના છે અને તે ઇશ્વરથી માયા અને માયાથી જીવ પોતે વાસનાના ભોગ ફલ માટે તેમાંથી ઉઠવું તે જ પ્રારબ્ધનું બનવું. કે બન્યું શા માટે? તો કે મારી ઇચ્છા પુર્તિ માટે, તેના ફલ ભોગ માટે, તેના પદાર્થના સુખની ભાવના ભોગ માટે. જેમ માછલું ઉંડા પાણીમાં નિર્ભય રહે છે. પરંતુ સ્વાદવશ રસ વાસના તેને બહાર લાવે છે અને ગલ કાંટામાં ફસાઇ જાય છે. તેમજ જીવનું પણ પ્રારબ્ધ શરૂ થયું. વાસના માટે કર્મ કરવા લાગ્યો. હું કર્મ કરૂં અને મને આ ફલ મળે બસ કર્તા બન્યો અને કર્મની શરૂઆત થઇ. ક્રિયમાણનો પ્રારંભ થયો અને ભોગ માટે ભોક્તા તેના ભોગ્ય પદાર્થો અને ભોગવવાનું સાધન મળી ગયાં.
તો હવે જોઇએ કે પ્રારબ્ધ છે કે કેમ? તો વેદાંત મત પર વિચાર કરશું તો ઉપર જોયું તેમ અજ્ઞાન, માયા કે અવિદ્યા કે અવિદ્યા જનિત વાસના કર્મ તથા પ્રારબ્ધ આ સઘળાના મુલમાં અવિદ્યા છે. અજ્ઞાન છે. તો અજ્ઞાન શું છે? તો કહે કે કાંઇ પણ નથી. વસ્તુને ન જાણવી તે અજ્ઞાન છે. અને રજ્જુનો સાપ રજ્જુજ ભ્રાંતિને કારણ સાપ થઇ ડરાવતી હતી. દીપક લઇ જોવા જતાં સાપ ત્રણે કાલે ન હતો. હતી ત્યાં રજ્જુ. તેમ અજ્ઞાનથી જ કે માયાથી જ બ્રહ્મ જગતરૂપે ભાસે છે. તેમાં પણ અધિષ્ઠાન બ્રહ્મનું જ અજ્ઞાન છે. તો અજ્ઞાનમાંથી વાસના, કર્મ તેના સંસ્કારો આ સઘળું તેમાંથી ઉઠ્યું છે. જો મુલકારણ ન રહે તો કાર્ય પણ ન રહે તેવો નિયમ છે. તેથી અજ્ઞાનની નિવૃતિમાં સઘળાની નિવૃતિ છે. અને અજ્ઞાન ન રહ્યું તો વાસના ન રહી, કર્મ પણ ન રહ્યું, સંસ્કારો ન રહ્યાં તો પ્રારબ્ધ ક્યાંથી રહે? અને મુલમાં જ કાંઇ નથી કલ્પના સિવાય તો પછી પ્રારબ્ધ ક્યાંથઈ રહે? માટે પ્રારબ્ધ તેવી વસ્તુનો યોગવશિષ્ઠ જેવા અજાતવાદમાં જ્યાં ત્રણે કાલમાં કાંઇ પણ થયું નથી, થશે નહીં અને થવાનું પણ નથી.
એક અજાત બ્રહ્મ જ છે. તેથી તેમાં પ્રારબ્ધનો સ્વીકાર જ નથી.અને સ્વીકાર કરવાનો છો તો અધ્યારોપની દ્રષ્ટિથી આપણે હવે સ્વીકાર કરીને ચાલશું. આપણે બે માન્યતા જોઇ. એક જગતને સત્ય માનનાર અને એક જગતને મિથ્યા માનનાર. એકને મતે પ્રારબ્ધ સત્ય છે અને એકને મતે પ્રારબ્ધ તેવી એક કલ્પના છે. વાસના કલ્પના છે. વાસનાની પુર્તિ માટે કર્મ થયું તે પણ કલ્પીત. તેથી મળેલું ફળ પણ ખોટું જેમકે સાક્ષિ આશ્રિત રહેલી અવિદ્યા અને તેમાંથી ઉઠેલ વાસનાની કલ્પના તે જ સ્વપ્ન સૃષ્ટિ છે. અને તે સ્વપ્ન સૃષ્ટિમાં પણ જડ ચેતન જીવો અસંખ્ય જોવામાં આવે છે. તેમાં વાસ્તવિક જીવતો સાક્ષિ કેવલ કુટસ્થ છે. પરંતુ અનેક જીવો, અનેક જીવોની વાસના, તેનું કર્મ, સંસ્કાર અને પ્રારબ્ધ આ સઘળું શું છે? તો કહે જાગ્યા પછી ખબર પડે છે કે સ્વપ્ન હતુ, કાંઇ પ્રારબ્ધ કે કશી વસ્તુ ન હતી. પરંતુ તે વખતનું સઘળું સત્ય હતું. આ થઇ વેદાંતની માન્યતા કે જેની નિવૃતિમાં જાગવાની જરૂર છે. બસ જાગ્યાં નથી ત્યાં સુધી અવિદ્યા છે. તેથી સ્વપ્ન છે, વાસના છે, કર્મ છે, તેનું ફલ છે, પ્રારબ્ધ છે. પરંતુ જાગ્યા કે સઘળું ગયું. કલ્પનાનો કાંટો લાગ્યો, પીડા કરતો હતો. કલ્પનાનો કાંટો લઇ કલ્પનાથી કાઢી નાખ્યો. પ્રારબ્ધ દુર થયુ.
હવે ક્રિયાથી ફલ આપનારો પુરુષાર્થ પ્રત્યક્ષ જોવામાં આવે છે, પણ પ્રારબ્ધ જોવામાં આવતુ નથી. તેથી પ્રારબ્ધ કાંઇ છે જ નહીં. હવે ક્રિયાથી ફલ આપનારો પુરુષાર્થ પ્રત્યક્ષ જોવામાં આવે છે અને પ્રારબ્ધ કેમ જોવામાં આવતું નથી તેનું કારણ વીચારીયે કે પહેલાં બીજ હોય છે પછી તેમાંથી અંકુર પછી વૃક્ષ થાય. તે બીજનું પરિણામ તે ફલ છે. બીજ જ વૃક્ષરૂપે પરિણામ પામ્યું છે અને ફરી તે વૃક્ષમાં બીજ લાગ્યાં તેથી બીજથી વૃક્ષ અને વૃક્ષથી બીજ આ એક ચક્ર થયું. આને બીજ અંકુર ન્યાય કહેવાય. હવે બીજમાં વૃક્ષ પહેલાં દેખાતું નથી. પરંતુ તેને યોગ્ય વાતાવરણ મળતાં તુરત અંકુરિત થઇને વૃક્ષરૂપે પરિણામ થઇ જાય છે, ત્યારે વૃક્ષ દેખાય છે. પરંતુ બીજ ક્યાંય પણ દેખાતું નથી. આ થઇ પરસ્પરમાં બીજ અંકુર પ્રગટ કરવાની યોગ્યતા. તેમાં પહેલા કોને કહેવું? પહેલું બીજ કે વૃક્ષ અથવા પહેલાં વૃક્ષ કે પછી બીજ. કારણ કે આ બીજ અંકુર ન્યાયે નક્કી ન થાય કે પહેલાં કોણ?
તેમ પહેલાં કર્મ કે જીવ તેમાં પણ પહેલાં કોણ તે નક્કી થતું નથી. કારણ કે કર્મ વગર જીવ નહીં અને જીવ વગર કર્મ નહીં. તેથી પહેલું ક્યું તે નક્કી ન થતાં આપણે વેદાંતમાં ઉત્પતિના પ્રકારમાં આત્માશ્રય ઇત્યાદી જે દોષો કહેવાય છે તે જોઇ ગયા છે. તેથી જે નક્કી ન થાય, ત્યાં અજ્ઞાન કહેવાય. અને વેદાંતને તે જ સ્વીકાર્ય છે. તો જીવને પણ જીવપણું કર્મવાસનાથી છે. પરંતુ તે બેમાં ક્યું પહેલે તે નક્કી થાય નહીં. છતા જરૂર પહેલે અવિદ્યા તથા વાસનાબીજ છે અને તે અવિદ્યા જનિત વાસનારૂપી બીજ એક સંકલ્પ કે કલ્પના ઉભી કરે છે. મને આ મળે. હું આ મેળવું અને ફલ ભોગવી સુખી થાઉ. તો આ સંકલ્પ છે. તે જ પ્રારબ્ધનું બીજ છે. પછી તે જે પ્રકારની જેવી વાસના ઉદ્ભવી તેવું તે પ્રકારનું પહેલા સંકલ્પ મનોરાજ્ય જેવી કલ્પના ચાલી. પરંતુ માત્ર તેવી કલ્પનાથી સંતુષ્ટ ન થતાં તેમાંથી એક ભોગ્ય પદાર્થ તેને ભોગવનારો ભોક્તા તેને ભોગવવાના સાધનો પ્રગટ થયાં. જેને આપણી સામે રહેલા શબ્દ સ્પર્શાદીક પદાર્થો આ ભોગ્ય જગત અને ભોગવવાના સાધનો કર્મેન્દ્રિયો જ્ઞાનેન્દ્રિયો અંતઃકરણ તથા કારણ સુક્ષ્મ તથા સ્થુલ શરીરની રચના થઇ. તેમાં જીવાત્મા ભોક્તા સુખ દુઃખનો અનુભવ લેનાર.
તો હવે જોઇશું કે ક્રિયાથી ફલ આપનારો પુરુષાર્થ પ્રત્યક્ષ જોવામાં આવે છે. પુરૂષ ભોક્તા જે કાંઇ પણ ક્રિયા કર્મ કરે છે તેમાં પુરૂષાર્થ પ્રત્યક્ષ જોવામાં આવે છે. આપ સઘળાં ભક્તો જે યોગવશિષ્ઠ વાંચો છો તેમાં તમારો પુરૂષાર્થ બે કલાક બેસીને વાંચો છો, સતસંગ કરો છો, સાંભળો છો તે તમારો પુરૂષાર્થ છે. અને જે સતસંગરૂપી ક્રિયા કરી રહ્યા છો તે પ્રત્યક્ષ જોવામાં આવે છે. પરંતુ તેનું ફલ આનંદતો મળે છે પરંતુ તે પછીની જે ધ્યેયે પહોંચવાની અપેક્ષા ઇચ્છાઓ તે ફલ અત્યારે પ્રત્યક્ષ પ્રગટ નથી. કારણ કે જે સાંભળ્યુ, સમજ્યાં અને વિચાર્યું તેના સંસ્કારો પડ્યા તે અપ્રત્યક્ષ છે. આ તમારો પુરૂષાર્થ છે. તે બીજા સંસ્કારોરૂપી બીજોને ચિત્તભુમીમાં ધારણ કરે છે. સંચિત કરે છે. પછી જે કરેલો પુરૂષાર્થ જે વર્તમાનમાં ફલ નથી આપી શક્યો પરંતુ કરેલા પુરૂષાર્થના વાસનાત્મક સંસ્કારો સંચિત બીજરૂપે પડ્યા હતા તેણે આ વર્તમાન શરીરીની રચના કરી. અને તે વાસનાત્મક સંસ્કારો હતા તે શરીરરૂપમાં પરીણામ પામ્યાં. તેથી તેમ કહેવું પડે કે પુર્વનો કરેલો પુરૂષાર્થ વર્તમાનમાં સુક્ષ્મ મન કહો કારણ કે વાસનાનો સમુહ તે મન. ઇચ્છાનો સમુહ તે મન. સંસ્કારોનો સમુહ તે મન. એટલે શરીરનું સુક્ષ્મરૂપ તે મન અને મનનું સ્થુલરૂપ તે શરીર.
હવે આની સાથે બે પ્રકારના પુરૂષાર્થનો પણ પ્રત્યુત્તર આવી જાય છે. પુર્વનો પુરૂષાર્થ તે બીજરૂપ બન્યો પછી તેણે આ વર્તમાન શરીર આપ્યું તે થયું પ્રારબ્ધ. પછી તે પ્રારબ્ધથી થતે પુરૂષાર્થ એટલેકે શરીરથી થતો પુરૂષાર્થ. તો અહી બંને પ્રકારના પુરૂષાર્થ કહ્યાં છે. તેમાં ફલ પણ પુરૂષાર્થથી ઉપજતુ છે તેથી પુરૂષાર્થ સીવાય અન્ય કશું નથી કારણ કે બીજ અંકુર ન્યાયે જે બીજ હતુ તેણે ફલ વૃક્ષ ઉપજાવ્યું. વળી જે ફલ વૃક્ષ હતું તેણે બીજ ઉપજાવ્યુ. તેમા તમે કોને બીજ કહેશો? કોને ફલ કહેશો? બાપથી દીકરો થાય તે તો સમજાય તેવી વાત છે પરંતુ દીકરાથી પાછો બાપ થાય આ વિચિત્ર છે. તેથી કોને પુરૂષાર્થ કહેવો અને કોને પ્રારબ્ધ કહેવું? કારણ કે પુરૂષાર્થથી પ્રારબ્ધ બને છે અને વળી પ્રારબ્ધથી પુરૂષાર્થ થાય છે. તેથી કહેવું હોય તો અત્યારના વર્તમાન શરીરને પ્રારબ્ધ કહો પરંતુ પુરૂષાર્થ પ્રારબ્ધનો પિતા છે.
તેથી યોગવશિષ્ઠમાં પ્રારબ્ધને ગૌણ સ્થાન આપીને અથવા તો તે કાંઇ નથી પરંતુ પૂર્વનો કરેલો પુરૂષાર્થ આ વર્તમાન શરીરરૂપે જણાય રહ્યો છે. તેથી ફરી પણ પાછો શરીરથી પુરૂષાર્થ થાય છે. તો પૂર્વ જન્મના પુરૂષાર્થને બીજ માનો, વર્તમાન શરીર તૈયાર થયું તેને પ્રારબ્ધ ફલ માનો. પરંતુ બીજ વગર અંકુર નહી તે વાત પાકી. પરંતુ અહીં પાછુ અંકુર બીજ ઉપજાવે છે તેથી પુરૂષાર્થ તથા પ્રારબ્ધ અન્યોન્યના પુરક છે. સાથે રહીને કામ કરે તેથી પ્રારબ્ધનો પણ સ્વીકાર કરવો પડે. પરંતુ યોગવશિષ્ઠમાં અજાતવાદ હોવાથી પુરૂષાર્થને જ મહાન ગણ્યો છે અને છે પણ.
તો હવે આપણે પુરૂષાર્થ તથા પ્રારબ્ધના પરસ્પર ઝઘડામાં ઉતરશું તો પ્રારબ્ધનું કેટલું સ્થાન તથા પુરૂષાર્થનું કેટલું મહત્વ તે આપણે જોશું. તેમાં જે રામભાઇનો પ્રશ્ન પૌરૂષ છે તે શું છે તેના પર વિચાર કરશું એટલે સઘળાં પ્રશ્નો હલ થઇ જશે. તો આપણે બે જ પ્રશ્ન જોશું કે પૌરૂષ શું? અને પુરૂષાર્થ શું? પૌરૂષ અને પુરૂષાર્થ બંને શબ્દો એકાર્થ જેવા લાગે છે. કારણકે પુરૂષમાં જે શક્તિ છે, વિર્ય છે, સામર્થ્ય છે તે જ તેનું પૌરૂષપણું અથવા પૌરૂષત્વ છે. વિર્ય વિનાનો કે સામર્થ્ય વિનાનો પુરૂષ તે પુરૂષ નથી કહેવાતો પણ નપુંસક કહેવાય છે. પરંતુ આપણે અહીં જે પૌરૂષત્વની વાત કરશું તેમાં એક જગ્યાએ કીધુ છે કે પુરૂષ તો એક માત્ર પરમાત્મા છે ઔર તો સબ જગ નારી હૈ. કારણ કે પરમાત્માનું જે પુરૂષત્વ છે તેમાં ક્યારે પણ નપુસંકતા આવતી નથી. તેના સામર્થ્ય કે વિર્યમાં ક્યારે પણ ન્યુનાધિકતા થતી નથી. તેથી ઇશ્વરનું પૌરૂષત્વ કાયમને માટે જેવું ને તેવું રહે છે. પરંતુ પ્રકૃતિથી બધ્ધ જીવો પ્રકૃતિ વશ થવાથી તેનું જે પૌરૂષત્વ છે તે સુપ્ત પડેલ છે.
તેથી પ્રકૃતિ જ જ્યાં સંસારમાં જોશો ત્યાં જણાશે. તેની જ પ્રવૃત્તિ પણ જણાશે. અને પ્રકૃતિ જીવને પરવશ બનાવીને સ્વતંત્રપણે વહેવાર કરી રહી છે. તેથી પ્રકૃતિથી બંધાયેલા કે આવૃત થયેલા જીવોને પુરૂષ કહેતા નથી પણ જીવ પ્રકૃતિરૂપ જ થઇ ગયો છે. તેથી જીવો નારી જ છે. જ્યારે તેનું પૌરૂષત્વ કોઇ જગાડે અને તે જાગી જાય ત્યારે તેને ખબર પડે છે કે પૌરૂષત્વ શું છે. જ્યારે સીતાજીની શોધ કરવા સઘળા વાનર તથા રીંછ સમુદ્ર કિનારે બેઠા બેઠા વિચાર કરતા હતા, પોતપોતાનું જે બલ હતું તે બતાવતા હતા. કોઇ કહે કે હું સામે કાંઠે તો પહોંચુ પણ પાછો અહીં ન આવી શકું તેમ નિરાશ થઇને બેઠા હતા. હનુમાનજી પણ બેઠા હતા. પણ કાંઇ બોલતા ન હતા. ત્યારે જાંબુવાને હનુમાનજીને કીધું કે તમે કેમ બેઠા છો? તમો તો પવનપુત્ર છો. તમારે ક્યું કાર્ય મુશ્કેલ છે? તમે સઘળું કરી શકો તેમ છો તેમ તેના પૌરૂષત્વના વખાણ કર્યા અને હનુમાનજી ગર્જના કરીને ઉભા થઇ ગયા પર્વતાકાર બનીને કહેવા લાગ્યા બોલો હું ત્યા જઇ શું કરુ? રાક્ષસોને મારી નાખુ? લંકાને સમુદ્રમાં ડુબાડી દઉં? બસ જાંબુવાને સમજાવ્યા આપણે તો સીતાજી ક્યાં છે તે જાણીને આવવાનું છે. પછી કરવાનું તે કરવાવાળો કરશે.
તો તેવી રીતે દરેક જીવોમાં પૌરૂષત્વ તો છે. પરંતુ છુપાયેલું પડ્યું છે. તેને કોઇ ગુરૂ જગાડી આપે ત્યારે તે બેઠો થઇ જાય છે. અને પોતાના પૌરૂષત્વ દ્વારા જ પ્રકૃતિને વશ કરીને તેનો માલિક બની જાય છે. કારણ કે શક્તિ શક્તિમાનની છે. અને તે શક્તિમાનને આધિન હોય છે. તે તેને સમજાય જાય છે ત્યારે પુરૂષ જાગૃત થઇ જાય છે. તેથી એક ભજનમાં કીધું છે, હેલી ગાતા કહે છે કેઃ- નામ જગાડે પ્રેમને, પ્રેમ જગાડે સુરતા અને સુરતા જગાડે બ્રહ્મ. બસ પુરૂષનું પુરૂષત્વ જાગ્યાં પછી પ્રકૃતિ વશીકાર કરીને સાચો શક્તિમાન બની જાય છે. બ્રહ્મ સ્વરૂપ બની જાય છે. આ થયો પૌરૂષનો અર્થ.
હવે પુરૂષાર્થ વિશે થોડું જોશું કારણ કે તેમાં બે પદ છેઃ- પુરૂષ + અર્થ = પુરૂષાર્થ. તો પુરૂષાર્થ કોને કહેવો? પુરૂષાર્થ તેને કહેવાય જે આપણી ઇચ્છા છે તે ઇચ્છાનો જે વિષય હોય અને તેની પ્રાપ્તિ માટે થતા પુરૂષના પ્રયત્નને પુરૂષાર્થ કહેવાય. તો પુરૂષાર્થ કેટલા પ્રકારનો, તો ચાર પ્રકારનો છે. ક્યાં ચાર પ્રકાર? ધર્મમય પુરૂષાર્થ, અર્થમય પુરૂષાર્થ, કામમય પુરૂષાર્થ અને મોક્ષમય. તેમાં ઉપજતાં સુખ પણ ચાર પ્રકારનાઃ- ધર્મમય પુરૂષાર્થથી મનનું સુખ કે કોઇ પણ ઇચ્છાનો અભિઘાત ન થાય માટે માનસીક સુખ. અર્થમય પુરૂષાર્થથી શરીરનું સુખ તે શરીર ગાદી તકીયામાં લોટવામાં સુખ માને બીજાં પણ ખાનપાન ઇત્યાદી. કામમય પુરૂષાર્થથી પ્રાણનું સુખ, સ્ત્રી-પુરૂષ સંયોગજન્ય સુખ અને મોક્ષમય પુરૂષાર્થથી પરમાત્માનું અખંડ અક્ષય સુખ મળે.
તેમાં કર્તા ભોક્તા આ જીવ અંતઃકરણ વિશિષ્ટ પ્રમાતા જીવ છે. તેના ફલ ભોગનાં ઇન્દ્રિયાદી અંતઃકરણ ભોગ પ્રાપ્તિના ઉપકરણો છે. શરીર ભોગનું સ્થાન ભોગાયતન છે. તેથી આપણે તેમાં એ માનવું જરૂરી કે શરીર ઇન્દ્રિયો ઇત્યાદી જે કાંઇ છે તે સાધન છે. ભોગ્ય પદાર્થો સાધ્ય છે અને કર્તા ભોક્તા જીવ સાધક છે. તે આ કર્તા ભોક્તા જીવ જે જે વિષય પદાર્થના સુખ માટે પ્રયત્ન કરે તેને તેવું તે ફલ મળે તે ફલ સાધ્ય કહેવાય. તો ધર્મમય તથા અર્થમય અને કામમય આ ત્રણ પુરૂષાર્થથી ઉપજતાં સુખો તે સાંસારિક નાશવંત ફલવાળા છે. જે એક મોક્ષમય પુરૂષાર્થથી ઉપજતું ફલ અક્ષય અખંડ સુખ છે. માટે મોક્ષમય પુરૂષાર્થ તે સાચો પુરૂષાર્થ છે અને આ પુરૂષાર્થમાં પ્રારબ્ધની ગણના નથી કારણ કે પ્રારબ્ધની નિવૃત્તિ કરનારો છે. તો તે પુરૂષાર્થની વાત આપણે પાછળથી જોશું.
અત્યારે જે ત્રણ સાંસારીક પુરૂષાર્થ છે તેના પર જ વિચારશું. ને જીવાત્મા પણ તે જ પુરૂષાર્થમાં જ લાગ્યો રહે છે. તે સુખ માટે જ પ્રયત્ન કરે છે. અને તે ત્રણ પુરૂષાર્થ પણ માનવ આચરી શકે છે. પશુ ધર્મ કમાઇ શકતાં નથી. અર્થમય તથા કામમય પુરૂષાર્થનું ફલ તો પશુ પક્ષીને પણ મળે છે. તેથી આપણે જોશું કે હવે આ ત્રણ સુખો માટે આપણે જેને ઇચ્છાનો વિષય બનાવીને પ્રયત્ન કરીયે છીએ તેમાં ધર્મમય પુરૂષાર્થને આચરનારાં કેટલાં? બહું ઓછાં, ઓછાં એટલે ઓછાં. હવે અર્થમય અને કામમય જે શરીરસુખ અને પ્રાણસુખને વિષય બનાવીને સર્વકોઇ પુરૂષ પ્રયત્ન કરે છે તો જે વર્તમાને પુરૂષ પ્રયત્ન (પુરૂષાર્થ) થાય તે ક્રિયમાણ બને અને ક્રિયમાણ બન્યું તેનું વર્તમાનમાં ફલ ન મળ્યું. કોઇ કારણોવશાત કે જેને આવરણ કઇ શકાય અને ઇચ્છા અપુર્ણ રહી ગઇ. પ્રયત્ન કર્યો પરંતુ નિરાશાનો જે અનુભવ થયો અને નક્કી પણ થયું કે આ વર્તમાન જીવનમાં સંભવ કે શક્ય નથી તેવો ફલનો નકારાત્મક અનુભવ અને તેનો સંસ્કાર. અનુભવ તો સંસ્કાર છોડીને નિવૃત્ત થઇ ગયો. સુક્ષ્મ વાસનાત્મક સંસ્કાર રહી ગયો. આ થયું સંચિત. આવું સંચિત કાંઇ જન્મ-જન્માંતરોનું હોય છે. અને ચિત્ત એટલે સંસ્કારોનો ખજાનો. ચિત્ત કહો કે મન કહો અથવા અંતઃકરણ કહો આ સઘળું સુક્ષ્મ શરીરમાં સંચિત થાય છે.
જીવન પુરુ થયું, શરીરની અવધિની મર્યાદાએ કાલાન્ત થયો. અંત ક્ષણે અપુર્ણ ઇચ્છાઓ અને તેની વાસના લાલસાએ કોઇ નિમિત્ત બનાવી લીધું કે જે નિમિત્તથી સંઘરાયલું સંચિત કર્મ વાસના છે તેને તે નિમિત્તથી ઉત્તેજના મળી ગઇ અને અંતરના ઉંડાણમાંથી પણ દબાયેલ બહાર તેને ભોગ માટે કે પુર્વની વર્તમાનની અધુરી ઇચ્છાઓને તે નિમિત્તે ઢંઢોળી અને તે નીચેથી ઉપર જાગૃત થઇને આવી ગઇ અન્ય સુપ્ત દબાઇને રહી ગઇ. અને તે સંચિતનું સંચિત રહ્યું. બસ જે ઉપર આવી તેમાં જેમ ભરતમુનીને હરણબાળ નિમિત્ત પાશવી વાસનામાં બન્યું તેમ કોઇ પણ નિમિત્ત પાશવી, માનુષી કે દૈવીમાંથી પ્રગટ થઇ અને સંચિત પ્રારબ્ધરૂપમાં ફેરવાઇ ગયું, ફલ નિશ્ચિત કર્યુ, ઇન્દ્રિયો આપી, અંતઃકરણ આપ્યું અને માનો કે ફરી પાછું જે કર્તા ભોક્તાએ શરીર સાધનથી કરેલો પુર્વનો પુરૂષાર્થ શરીર બન્યો, ફલ બન્યો એટલે કે વાસનાત્મક મન હતુ તે જ સ્થુલ શરીર આકારને પ્રાપ્ત થયું અને વળી આ પુર્વના પુરૂષાર્થથી મળેલ શરીરથી ફરી અપુર્ણ ઇચ્છાઓની પુર્તિ માટે પ્રયત્ન થવા લાગ્યો. પુર્વનો પુરૂષાર્થ આ વર્તમાન પુરૂષાર્થનું કારણ બન્યો અને વળી વર્તમાન પુરૂષાર્થ કાર્ય થયું વળી વર્તમાન કાર્ય પુરૂષાર્થથી પુરૂષ પ્રયત્ન પુરૂષાર્થ થવા લાગ્યો તો કાર્ય પુરૂષાર્થથી કારણ પુરૂષાર્થ થયો.
તેમ પિતાથી પુત્ર કાર્ય કહેવાય પરંતુ ફરી કાર્ય પુત્રથી કારણ પિતા પેદા થાય તે જ સંસારે આશ્ચર્ય છે. કારણ કાર્યને ઉપજાવે અને વળી કારણ કાર્યને ઉપજાવે તેમ સંસાર ચાલે છે તેમાં મુખ્ય કારણ કોને કહેશ? તેમાં પ્રથમના પુરૂષાર્થને કારણ કહો તો પછીનો પુરૂષાર્થ કે જે શરીર મળ્યું છે જેને આપણે પ્રારબ્ધ કહીયે છીયે તે પુરૂષાર્થથી કાર્ય થયો અને વળી તેથી કારણ ઉભુ થાય તેમ પુરૂષાર્થ પુરૂષાર્થ જ છે. યોગવશિષ્ઠના મતે તેથી તેમાં પ્રારબ્ધને સ્થાન નથી આપ્યું પુર્વ પુરૂષાર્થ અને આજનો વર્તમાન પુરૂષાર્થ. હવે આપણે પ્રારબ્ધ વિશે વિચાર કરીયે જેને આપણે પ્રારબ્ધ કહીયે છીયે તે શું? તો કહે જે પુર્વે પુરૂષાર્થ કરેલ છે તે માટે નિશ્ચિત થયેલું ફલ. આપણી અપુર્ણ ઇચ્છાઓ હતી, પુર્વે પુરી ન થઇ માટે અસંખ્ય વાસનામાં જેટલાને ઉત્તેજના મળી ફલ માટે. ગોદામ તો અનાજનું ઘણું ભર્યું છે પરંતુ તેમાંથી ખાવા માટે જે અનાજ લીધું તે પ્રારબ્ધ અને પછી તે જ ફલ માટે આ શરીરરૂપ સાધનથી પુરૂષાર્થ પુરૂષ દ્વારા થાય.
તેમાં ઇશ્વર સૃષ્ટિમાં ઘટના પરિસ્થીતી અનિવાર્ય છે. તેનું નામ જ સંસાર છે. પરિવર્તનશીલ પદાર્થોમાં પરિવર્તન થયા કરે. કોઇ દેશમાં કોઇ કાલમાં કોઇ વ્યક્તિને માટે કોઇ ઘટના પરિસ્થીતી હોય તેમાં આ સઘળી વસ્તુ સાપેક્ષ છે. પરંતુ ઘટના તે ઘટના છે. પરિસ્થીતી તે પરિસ્થીતી છે. તે ઘટના કે પરિસ્થીતીને વસ્તુના ખબર નથી, ઘટી છે તો જે ઘટના કે પરિસ્થીતીની સાથે જે વ્યક્તિએ સંબધ કર્યો તેની તે બની જાય છે. બની જાય છે તેમ કહેવું યોગ્ય નથી બનાવી લઇએ છીયે. મારી ઘટના મારી પરિસ્થીતી બસ તમે કર્તા -ભોક્તા થઇ ગયા. પછી પરિસ્થીતી અનુકુલ કે પ્રતિકુલ તે પણ પરિસ્થીતીને ખબર નથી. તે પણ તેની સાથે સંબધ રાખનાર વ્યક્તિનો માનસ ધર્મ છે. મનનું ચિંતન છે. બસ આ છે પ્રારબ્ધ. બસ આવી રીતે ઇશ્વર અંતરમાં સાક્ષીરૂપે માત્ર સત્તા હોવાની અને સ્ફુરવાની. જેમ સુર્યના પ્રકાશની સત્તામાં સઘળાં સંસારના જીવોને પ્રેરણા આપનાર બને છે અને સઘળા પ્રભાતે ખાનપાન ઈત્યાદી વ્યવહારમાં પ્રવૃત થાય છે તેમ.
ઇશ્વર પણ ક્યાંય બીજે ખુણે ખાંચરે મેડી બંગલામાં કે લોકમાં નથી પરંતુ તમારા જ અંતરમાં સાક્ષિ કૂટસ્થ જે તમારૂં સ્વરૂપ છે અને તેના જ્ઞાનના અભાવે જીવભાવ કર્તા-ભોક્તા અહંકારથી બસ જે ઇચ્છાઓ ઉત્પન્ન થાય તેવું તેવું કર્મ ક્રિયા કે પુરૂષ પ્રયત્ન કરતો રહે છે. અને પુર્વની ફલ આપવા માટેની વાસનાએ જે શરીર ઈન્દ્રિયો આપ્યાં છે તેની પણ અવધિ નિશ્ચિત છે કે આટલો સમય પચીસ પચાસ કે સો વર્ષ ઇત્યાદી અને તે પ્રમાણે કર્તા-ભોક્તા જીવ અહંકારથી સઘળું કરતો રહે છે અને કામમય પુરૂષાર્થ તથા અર્થમય પુરૂષાર્થની જ ક્રિયા થતી રહે છે. અને તેનું ફલ શરીર સુખ તથા સ્ત્રી પુરુષ સંયોગજન્ય સુખ પ્રાણ સુખ આ સંસારમાં બે છે તે પ્રારબ્ધથી નિશ્ચિત છે.
ધર્મમય પુરૂષાર્થ નથી, મોક્ષમય પુરૂષાર્થ નથી બસ, છુટેલા તીર જેવો નિશ્ચિત ફલ કે નિશાન વીંધે તેવા હોય છે. પ્રારબ્ધ એટલે છુટેલું તીર કે છુટેલી ગોલી અને તે નિશાન વિંધે અને આને જ આપણે પ્રારબ્ધ કીધુ. તો બીજુ દૈવ નિયતિ કોઇ ઇચ્છા નથી પરંતુ પરાણે કરાવે છે કોઇ નિયતી મને નિયમમાં રાખીને પરંતુ તું સ્વતંત્ર આત્મા પુરૂષ અને તને કોણ કરાવે? તો કહે હું જીવ છું તેથી કોઇ જે મારાથી સ્વતંત્ર છે ઇશ્વર તે કરાવે છે. પરંતુ તે ક્યાં બેઠો બેઠો કરાવે છે? તો માણસને ખબર નખી. બસ ઉપર નજર કરે, ઉપર ક્યાંક બેઠો બેઠો પરંતુ ઉપર ક્યાં? ક્યાંય નહીં. જે સર્વોપરી છે તે તો તારૂં સ્વરૂપ છે. કૂટસ્થરૂપમાં સાક્ષિરૂપમાં કેવલરૂપમાં તેનું મને અજ્ઞાન છે તેથી કોઇ નિયતિ. નિયતિ એટલે શું? તો કહે કોઇ મારે કાર્ય કરવું છે અને તેના કારણના નિયમોને વશ કે આધિન થઇ જવું તે નિયતિ. બસ જો અમારા જીવનમાં કોઇ કાર્ય નથી, ઈચ્છા નથી તો કારણ પણ નથી તો ત્યાં નિયતિનું બંધન ઢીલું તુરત થઇ જાય છે. પુર્વ દિશા તરફ જવું છે પરંતુ તે તરફ સ્થાને પહોંચતા અડચણ, મુશ્કેલી દુઃખ પણ છે, છતા ગયા વગર છુટકો નથી. તો નિશ્ચિત સ્થાન પર પહોંચી ન પણ શકાય અને પહોંચી શકાય તો ઘણી મુશ્કેલી, માટે નિયતિ.
પરંતુ જેને પુર્વ કે પશ્ચિમ દિશા નથી તેને માટે નિયતિ શું? પ્રારબ્ધ શું? દૈવ શું? તો હવે એક વાત વિચારશું કે જે શરીર વર્તમાને મળ્યું છે તેણે માનો ફલ નિશ્ચિત કીધું છે. અને તે કરાવે છે અને હું કરુ છું. તો આમાં બે પ્રકારની માન્યતા વાળા સંસારમાં છે. પુરૂષાર્થવાદી તથા પ્રારબ્ધવાદી. પુરૂષાર્થ તથા પ્રારબ્ધ વિષે તો ઉપર આપણે વિચાર્યું હવે કોણ પ્રબલ તેમાં પુરૂષાર્થ બલવાન કે પ્રારબ્ધ બલવાન? આપણી સમસ્યા પણ તે જ છે. અહીંથી આપણે પુરૂષાર્થ તથા પ્રારબ્ધ બંનેનો સ્વીકાર કરીને ચાલશું. કારણકે જે આપણને પરાણે કરાવે છે, ઇચ્છા નથી છતા દુઃખ ભોગવાવે છે તે દૈવને જોઇ શકતા નથી. ક્યાં બેઠું બેઠું ભોગવાવે છે તેને હું દેખતો નથી પરંતુ વર્તમાન ફલને આપનારો પુરૂષાર્થ જોઇ શકું છું કે મેં આ કર્યુ તેથી મને આ ફલ મળ્યું. હું ભોગવું છું. બસ જ્યારે અશુભ પ્રારબ્ધ ભોગવતા હોઇએ ત્યારે આપણને દૈવ કે નિયતિ જેવું કાંઇક છે. ઇચ્છા નથી છતા તે ભોગવાવે છે. પરંતુ ક્યાં બેસીને હુકમ કરે છે તે ખબર નખી. દૈવને દેખતા નથી. દેખતા હોઇએ તો જરૂર લાકડી કુવાડી કે બંદુક લઇ મારવા જઇએ, પરંતુ લાચાર છે ત્યાં. પરંતુ શુભ પ્રારબ્ધનું ફલ સુખ ભોગવતા હોઇએ ત્યારે પ્રારબ્ધ જેવું કે દૈવ જેવું લાગતું કે જણાતું નથી તે જીવ સ્વભાવ છે. પરંતુ આ વહેવારીક સંસારે જગતમાં શરીરધારી બનીને પછી રામ આવે કે કૃષ્ણ આવે, મહાવીર આવે કે બુધ્ધ આવે તેને સંસારના નિયમ સઘળાં લાગુ પડે. રામને વનમાં જવું પડે, સીતાનું હરણ થાય, રાવણ વધ થાય ઇત્યાદી. કૃષ્ણને પણ કોઇક વીંધે ઇત્યાદી ભિન્ન ભિન્ન કર્મનું ફલ. તેથી કર્મનો સિધ્ધાંત અહીંથી શરૂ થાય અવશ્યમેવ અને જે કર્મ મેં જ અજ્ઞાનવશ કરેલું છે મારૂં જ છે મારી જ ઇચ્છાથી દ્રઢ ચિંતનથી દ્રઢ થયેલ છે અને તે મારી જ પ્રકૃતિ બની છે. મારો જ સ્વભાવ બન્યો છે તેથી હવે અહીં આપણે શ્રીમદ્ ભગવદ ગીતાનો અ.5 નો શ્લોક 14મો જોશું
न कर्तृत्वं न कर्माणि लोकस्य सृजति प्रभुः ।
न कर्मफलसंयोगं स्वभावस्तु प्रवर्तते ।।
પરમેશ્વર પ્રભુ કોઇપણ ભુત પ્રાણીઓનાં કર્તૃત્વને (કર્તાપણાને) કે ન કર્મપણાને કે ન કર્મફલના સંયોગને સર્જતો નથી, રચના કરતો નથી. પરંતુ પરમાત્માના સત્તા સામાન્યપણામાં રહીને પ્રકૃતિ સ્વભાવ જ પ્રવર્તે છે. તો અહી જેને આપણે દૈવ કહીયે છીયે તે તો અહી નીકળી જાય છે કે હું કોઇને કર્તૃત્વ પણ આપતો નથી કહેતો પણ નથી કે તું આમ કર કે તેમ કર વળી હું કોઇના પાપ કે પુણ્યરુપ જે શુભાશુભ કર્મ સદ્‌ગુરુ તેનું પણ સર્જન કરતો નથી અને કર્મથી કે પુરૂષાર્થથી ઉપજેલું ફલ અને તેનો કર્તા ભોક્તા જીવની સાથે સંયોગ કે આ સારુ છે ફલ આ ખરાબ છે ફલ પછી સુખ તથા દુઃખરુપ ફલનો સંયોગ તો પછી શું છે? તેમાં કોણ જવાબદાર છે? તો બતાવ્યું કે વ્યક્તિનો સ્વભાવ પ્રકૃતિ જવાબદાર છે. તો વિચારશું કે પ્રકૃતિ કોની? તો કહેશું મારો સ્વભાવ કોનો તો કહે મારો. તો સ્વભાવ જીવાત્માનો કર્તાભોક્તાએ પહેલા એવો ભાવ પેદા કર્યો. સંકલ્પ કર્યો, ઇચ્છા કરી કે મને આ મળે. હું આ વસ્તુને પ્રાપ્ત કરું. તે કર્તૃત્વ ઉભુ થયું અને વિષયનું ચીંતન ચાલ્યું. સતત રાત દિવસના તે ચિંતનને લઇને પછી જેમ ભમરીના ડંખથી ઇયળ ભમરીનું ચિંતન કરીને ભમરી થઇ જાય. પાંખો આવે અને બદલાઇ જાય તેમ વ્યક્તિ ચિત્તથી જે વિષયનું સતત રાતદિવસ ચિંતન કરે તેવે આકારે વૃત્તિ થઇ જાય. પછી વૃત્તિ સારૂપ્યપણામાં પુરૂષ પણ પુરૂષ રહેતો નથી વૃત્તિને આકારે બનીને તદરૂપ થઇને વહેવાર કરવા લાગે છે અને આ ચિંતન જે પ્રકૃતિ બની સ્વભાવ બન્યો તે જ દૈવ થઇ ગયું. નિયતિ થઇ ગઇ.
ત્રીગુણાત્મક પ્રકૃતિને લઇને તે તે ગુણોના ચિંતનથી તેવી વ્યક્તિ થઇ જાય છે. પછી આપણે કહીયે છીયે કે કોઇ હ્રદયમાં બેઠો બેઠો કરાવે છે. કારણ કે તે ચિંતન બદલવામાં કાયરપણું આવી ગયું. પરવશપણું આવી ગયું. આ છે પ્રારબ્ધ તથા ફળ જે ભોગવવું પડે છે અને પરવશ તથા કાયર બનાવે છે. શુરવીરને કાયર કરે, દયાળું ને નિર્દય કરે, સંતોષીને લોભી કરે, ક્ષમાશીલને ક્રોધી બનાવે. અહીં જે મને કોઇક ચલાવે છે તેમ હું ચાલું છું તેમાં દુર્યોધન પણ તેમ કહે છે. શ્લોક નથી લખતો ભાવાર્થ જણાવું છું. તેને ખુબ મોટા મોટા જ્ઞાની ભીષ્મ, વિદુર તથા વ્યાસ જેવા સમજાવતા કે તું અઘર્મ છોડ, ધર્મને ગ્રહણ કર ત્યારે દુર્યોધન કહે છે કે તમે મને જે કહો છો તે હું સમજુ છું પરંતુ અધર્મને પણ જાણું છુ કે આ અધર્મ છે અને ધર્મને પણ જાણું છુ કે આ ધર્મ છે પરંતુ અધર્મને છોડી શકતો નથી અને ધર્મને ગ્રહણ કરી શકતો નથી કારણકે મારા હ્રદયમાં બેઠેલો કોઇ મને પરવશપણે કરાવે છે અને જે કરાવે છે તે હું કરુ છું.
વિચાર કરશુ તો મહાભારતમાં શ્રીમદ્ ભગવદગીતામાં દુર્યોધનને આતતાયી કીધા છે કે જે પાપીમાં પાપી હોય અને સમાજમાં જેને જીવવાનો અધિકાર નથી તેવી વ્યકિત કહેવાય. કારણ તે જીવે ત્યાં સુધી અનર્થ જ કરવાના છે તેથી તેનો નાશ યોગ્ય જ છે તેમ ધર્મશાસ્ત્ર કહે છે. તો યુધિષ્ઠીર તેવા શબ્દો બોલ્યો નથી. તે તો કૃષ્ણને જ સહારે ચાલતા હતો. કોણ ડાહ્યો યુધિષ્ઠીર કે દુર્યોધન? દુર્યોધન પણ કર્તૃત્વ કરતો નથી. તે પણ કહે છે કે કોઇ દૈવ અંદર બેઠું બેઠું પ્રેરણા જેવી અધર્મની કે ધર્મની કરે છે તેવું હું કરૂ છું. શું કહેવું આ પણ સ્વીકાર દૈવનો છે ઘણા તેવા આવો દૈવનો સ્વીકાર કરીને ચાલતા હોય છે. તો સઘળા આપણા સુખ દુઃખ કે શુભાશુભ કર્મ કે તેનું કર્તૃત્વ ઇત્યાદીમાં આપણો અહંકાર જ સ્વભાવ જ ચિંતન જ કારણરૂપ છે. તેથી આપણો આપણા સુખ દુઃખમાં કોઇને નિમિત્ત બનાવીયે છીયે. સંસાર સઘળો નિમિત્તનો છે. નિમિત્ત ન હોય તો સંસાર નથી. તેથી નિમિત્ત તો કોઇને કોઇ રહેવાનું છે. પરંતુ જ્યારે કોઇ સુખ કોઇ નિમિત્ત દ્વારા આવે છે ત્યારે તે નિમિત્તમાં આપણે રાગ ધરાવીને ખુશી મનાવીયે છીયે. અને જ્યારે દુઃખ કોઇ નિમિત્ત લઇને આવે છે ત્યારે તે નિમિત્તમાં આપણે દ્વેષ કરીને ધૃણાને પેદા કરીયે છીયે. પછી તે તે સુખ દુઃખના નિમિત્તથી રાગ દ્વેષની વૃધ્ધિ થાય. હેય ઉપાદેયની ભાવના વધતી ચાલે ફરી ફરી રાગ દ્વેષથી ધર્મ અધર્મના સંસ્કાર પાપ તથા પુણ્ય અને તેનું ફલ સુખ તથા દુઃખ. બસ આ અનંત સંસાર ચક્ર ચાલતું રહે છે. જીવાત્મા પોતાના કર્તૃત્વ અભિમાને કર્મ કરતો રહે છે અને કરેલા કર્મના ફલ પ્રારબ્ધને ભોગવતો રહે છે. તેથી પુરૂષાર્થ તથા પ્રારબ્ધ તેમ સંસાર ચાલે છે. તેમાં આપણા સુખ દુઃખમાં આપણે જ જવાબદાર છીયે.
બીજાને નિમિત્ત બનાવશુ તો તે વધતા ચાલશે નિમિત્ત સામે ઝઘડો કરશું તો પણ હું જ સઘળાના કારણરૂપે છું. દુઃખ છે તો શાથી આવ્યુ છે? તો કહે મારા અજ્ઞાનથી, મારી અવિદ્યાથી, મારા કર્તૃત્વથી, મારા અહંકારથી બસ વિશ્રાંતી થઇ ગઇ, હું જ કારણરૂપ છું. તો કોને ક્યાં નિમિત્તમાં રાગ કરવો સુખના કે દુઃખનામાં દ્વેષ કરવો. રાગ દ્વેષના કારણો જ નહીં રહે. હું જ મારા કાંટાના કારણરૂપ છું. મે જ ચાલવામાં વિચાર ન કર્યો. નજર ન રહીને ઉંચુ મોઢું રાખીને ચાલ્યો અને ભુમી કાંટાળી હતી, પગમાં ખુંચી ગયો, ખુબ ઉંડે બેઠો, ચાલવું મુશ્કેલ થયું. તેમાં તે કાંટામાં કે કાંટો લાગવામાં આપણે કોને નિમિત્ત કહેવું? અને ખોટું ચિંતન ન કરતાં ત્યાં જ બેઠા છે ત્યાં જ ત્યાંથી બીજો કાંટો લઇને કાંટો કાઢવા પ્રયત્નશીલ બની જવું જોઇએ. અથવા ક્યારેક આપણે ન પણ કાઢી શકીયે તો કોઇ દયાળું વ્યક્તિનો સમાજમાં અભાવ નથી. તે યુક્તિ બતાવશે, હિંમત આપશે અને તેને દુર કરવો. એવું મારા સ્વતંત્ર ચિંતનથી સમજાયું છે અને સુખી થયો છું. આ જ સમજણ છે આ જ વિવેક છે.
હવે પુરૂષાર્થ તથા પ્રારબ્ધવાદીયો છે તેનો પણ વિચાર કરીશું. કારણ કે વિષય આ એવો છે કે આ વિશ્વના જીવોની સમસ્યા છે અને તે અનુભવ તથા સાચી સમજ વગર માત્ર ખોટા સ્વીકારથી હલ થાય તેમ નથી. તેથી પુરૂષાર્થવાદી પુરૂષાર્થને જ મહત્વ આપે જેમ યોગવશિષ્ઠ આપે છે તેમ તેણે પ્રારબ્ધને જ ઉડાડી દીધું છે. પુર્વજન્મનો તથા આ જન્મનો બંને પુરૂષાર્થ છે. ફલ પણ સારુ નરસુ સામે અનુભવીયે છીયે. પરંતુ પ્રારબ્ધ ક્યાંય દેખાતુ નથી તેથી પ્રારબ્ધ છે જ નહીં આ અજાતવાદનો મત છે. હવે રામ ચરિત માનસનો એક સુંદર પ્રસંગ છે જેમાં પુરૂષાર્થ તથા પ્રારબ્ધ બંનેનો વિચાર છે અને તેમાં બળવાન કોણ છે તે પણ બતાવ્યું છે. જોઇએ રામ ચરિત માનસ – સુંદરકાંડઃ- ભગવાન રામચંદ્રજી વાનર સેના સહિત સમુદ્રને કિનારે બેઠા છે. ત્યાં વિભિષણ પણ રાવણે અપમાન કર્યુ અને રામને શરણે આવ્યાં. વિભિષણની પણ ઇચ્છા હતી કે રાવણનું ચોક્કસ મૃત્યુ છે તો હું રામને શરણે જાઉં અને લંકાનું રાજ્ય મળે અને વિભિષણ શરણે આવ્યો અને તેને લંકેશ કહીને જ રામચંદ્રજીએ બોલાવ્યો અને વાનરસેનાની મધ્યે રાજ-તિલક કર્યું. લંકાનો રાજા રાવણ જીવતાં જ બનાવ્યો. હવે રામચંદ્રજી મંત્રીઓ સહીત સમુદ્ર કિનારે બેઠા છે ત્યારે સમુદ્રની સામે પાર જવું છે શું કરવું તેની સલાહ સુગ્રીવ તથા વિભિષણ પાસે માગે છે કે શું કરશું, આ સમુદ્ર ની સામે પાર કઇ રીતે જઇશું? જોઇએ ચોપાઇઃ-
સુનુ કપીશ લંકાપતી વિરા, કૈસી વિધી તરીયે જલધી ગંભીરા
સંકૂલ મકર ઉરગ ઝષજાતી, અતી અગાધ દૂસ્તર સબ ભાંતી
કહે લંકેશ સુનહું રઘુ નાયક, કોટી સિંધુ સોષક તવ સાયક
જદપિ તદપિ નિતી અસ ગાઇ, વિનય કરીએ સાગર સમજાઇ
દોહરોઃ-
પ્રભુ તુમ્હાર કૂલ ગુરૂ જલધિ, કર હી ઉપાય વિચારી
વિનું પ્રયાસ સાગર તરીહી ,સકલ ભાલુ કપિ ધારી
સખા કરી તુમ નિકી ઉપાઇ, કરીએ દૈવ જો હોય સહાઇ
મંત્ર ન યહ લછીમન મન ભાવા,રામ બચન સૂની અતી દુ:ખ પાવા
નાથ દૈવ કર કવન ભરોસા, સોષીય ?સિંધું કરીયે મન રોસા
કાદર મન કહું એક આધારા, દૈવ દૈવ આલસી પૂકારા
સૂનત બીહસી બોલે રઘૂવિરા, એંસે હીં કરબ ધરહું મન ધીરા
અસ કહી પ્રભુ અનુજ હી સમુજાઇ, સિંધુ સમીપ ગયે રઘૂરાઇ
પ્રથમ પ્રણામ કિન સીરુ નાઇ, બેઠે પુનિ તટ દર્ભ ડસાઇ

No comments:

Post a Comment