Wednesday, July 17, 2013

17

બિહારના સારણ જીલ્લામાં છાપરા ગામની એક સરકારી શાળામાં મધ્યાન્હ ભોજન માં પીરસવામાં આવેલી ખીચડી ખાધા પછી બાવીસ બાળકોના મોત નીપજ્યા છે . બિહારના શિક્ષણમંત્રીએ ગઈકાલે આ આખા બનાવની નૈતિક જવાબદારી લઈને ભોજનમાં ઝેર નાખવામાં આવ્યું હોવાનો સનસનીખેજ આરોપ પણ ગઈકાલે મીડિયા સમક્ષ કર્યો હતો . આ બનાવમાં શાળાની એક શિક્ષિકા ઉપર શંકાની સોય તાકીને એના ઉપર સરકારે પોલીસ ફરિયાદ પણ દાખલ કરી દીધી છે . બિહારના શિક્ષણમંત્રી નું કહેવું છે કે શિક્ષિકાના પતિ તથા તેનો એક કૌટુંબિક સગો એક ચોક્કસ રાજકીય પક્ષ સાથે જોડાયેલો છે, અને બિહાર સરકારને બદનામ કરવા માટે તેમણે આ શિક્ષિકા ને હાથો બનાવીને બાળકોને પીરસવામાં આવેલા ભોજનમાં ઝેર નાખ્યું છે . હવે તપાસ પછી જવાબદાર જે હોય તે, પણ મધ્યાન્હ ભોજન વ્યવસ્થાના છીંડા બહાર આવી ગયા છે .

ફક્ત બિહારમાં જ આ બનાવ બન્યો છે, એવું ય નથી .દેશ ભરમાં અનેક જગ્યાએ આવા બનાવો વારંવાર બનતા આવ્યા છે, પરંતુ કોઈ ગંભીર બનાવ ન બને ત્યાં સુધી એ બહાર આવતો નથી . ગુજરાતમાં પણ ભૂતકાળમાં આવા બનાવો બન્યા છે .પ્રિન્ટ મીડિયા ભોજન માં પીરસતા અનાજ અને ભોજન ના ફોટા પાડીને સરકારને જગાડવાનો પ્રયાસ કરે છે, પણ સરકારી બહેરા કાન સુધી આ અવાજ પહોચતો જ નથી . ગુજરાતમાં તો મધ્યાન્હ ભોજન માટે આવેલું અનાજ પણ સગેવગે થઇ ગયું હોવાનું કૌભાંડ બહાર આવ્યું છે . તાજેતરમાં જ હિંમતનગર ની મોતીપુરા પ્રાથમિક શાળામાં સરકારી ચેકિંગ દરમિયાન મધ્યાન્હ ભોજન ના અનાજમાંથી ઘઉં માં ખદબદતી જીવાત, દાળમાંથી માટી અને કચરો નીકળ્યો . આ અનાજ શાળાના 234 ભૂલકાઓને ખવડાવવામાં આવ્યું હોત , તો તેમની હાલત શું થાત, એની કલ્પના કરતા જ કંપારી છુટે છે .

સર્વ શિક્ષા આભિયાન અને કુપોષણ માટે જંગ લડતી સરકારો અને એના ઉપર મોટા મોટા ભાષણો કરનારા નેતાઓ આ વાતનું ધ્યાન રાખતા નથી . સરકારી શાળાઓમાં પણ પોતાના મળતિયાઓ દ્વારા મધ્યાન્હ ભોજન ના અનાજમાંથી કટકી ખાનારા નેતાઓ જ્યાં સુધી દેશ અને રાજ્ય પર રાજ કરતા હશે ત્યાં સુધી કુપોષણ , ભ્રષ્ટાચાર ,જેવી સુફિયાણી વાતો ફક્ત ભાષણો પુરતી સીમિત જ રહેશે . બિહારના શિક્ષણમંત્રી એ તો બાવીસ બાળકોના મોતની નૈતિક જવાબદારી લીધી , પણ જે લોકો નૈતિકતાની મોટી મોટી વાતો કરે છે, એ લોકો પોતાના પ્રધાનમંડળ ના મંત્રીને કોર્ટે ફરમાવેલી સજા પછીય એને નૈતિકતાના ધોરણે પ્રધાનમંડળ માંથી રુખસદ આપતા નથી, અને દેશભરમાં ફાંકા ફોજદારી કરતા રહે છે કે હું ખાતો નથી, ને ખાવા દેતો ય નથી એનું શું ? છો તરફ ભ્રષ્ટાચારીઓ નાં ટોળા લઈને બેઠેલા આ લોકો જયારે નૈતિકતાની વાતો કરે ત્યારે કહેવાનું મન થાય કે અન્યોને શિખામણ આપતા પહેલા પોતે અમલ કરતા શીખો . સત્યમેવ જયતે .

No comments:

Post a Comment