Friday, January 17, 2014

દીકરો વહાલનું સરનામું..



દીકરો હેતનો સમંદર.. 3

 ગંઠાઇ જવાનો ગુણ,
લોહી સુધી સીમિત હતો
જે હવે….
 લાગણી સુધી પહોંચી ગયો છે.
બેટા ઓમ,
સાંપ્રત સમય સાથે સુસંગત લાગે એવી આ પંક્તિ અત્યારે મનમાં પડઘાઇ ઉઠી છે.

આ ક્ષણે મને યાદ આવે છે..નિશીથ..આપણા એક સ્નેહીનો દીકરો. સાત વરસની ઉંમરે તેણે પિતાની છત્રછાયા ગુમાવી હતી.માતાએ અનેક મુશ્કેલીઓ વેઠી પુત્રને મોટો કર્યો.  પુત્ર સારું ભણ્યો અને કમાતો થયો. ત્યારે પુત્રને  જાણ થઇ કે વરસો પહેલા તેના પિતાએ ધંધામાં જરૂર પડવાથી એક મિત્ર  પાસેથી પચાસ  હજાર રૂપિયા  ઉધાર લીધા હતા. અલબત્ત તે મિત્ર લાખોપતિ હતા. તેમને પૈસાની કોઇ જરૂર નહોતી. તેમણે તો કયારેય પરોક્ષ રીતે પણ એવો કોઇ ઇશારો નહોતો કર્યો. પરંતુ દીકરાને થયું..મારા પિતાનું દેણું છે..મારે ઉતારવું જ જોઇએ. પૈસા એકઠા થયા ત્યારે તે પિતાના મિત્ર પાસે ગયો.  પૂરી રકમ વ્યાજ સાથે પરત કરી. પેલા મિત્રએ કહ્યું,
 મેં જેને પૈસા આપ્યા હતા તે વ્યક્તિ જ હયાત નથી..તેથી  મારે એ પૈસા નથી જોઇતા. પૈસા કરતા મારા મિત્રની કીમત મારે મન વધારે હતી અને છે. બેટા, આ પૈસા તો હું કયારનો ભૂલી ચૂકયો છું.
નિશીથ કહે, અંકલ,  તમારી  ભાવનાની હું કદર કરું છું. પરંતુ મારા પિતા ઉપર કોઇનું ઋણ રહે એ મને કબૂલ નથી. પ્લીઝ..આ પૈસા રાખીને તમે મને એક દીકરાનું કર્તવ્ય બજાવ્યાનો સંતોષ આપો.. મારા પિતાનું ગૌરવ જાળવવાની મારી  અંતરની ભાવના છે. 
 અંતે મિત્રને પૈસા સ્વીકારવા પડયા. વ્યાજ તો તેમણે ન સ્વીકાર્યું. પરંતુ મૂળ રકમ તો લેવી જ પડી. દીકરાની આવી ઉદાત્ત ભાવના જોઇ એક માના હૈયાને કેવી ટાઢક વળી હશે !
નિશીથની વાત સાંભળી મને થયું..લોકો આજે પણ  દીકરાની ઝંખના રાખે છે..એમાં આવા કોઇ દીકરાઓ..કે આવી કોઇ વાત વત્તે ઓછે અંશે જરૂર કારણભૂત  બનતી હશે
 દિ વાળે ઇ દીકરા.. એવી કહેવત આવા કોઇ અનુભવ પરથી જ પ્રચલિત થઇ હશે ને  ? શ્રવણ જેવા દીકરાની ઝંખના કયા માતા, પિતાને ન હોય ? શ્રવણને આપણા સમાજમાં  આદર્શ દીકરાનું ઉદાહરણ ગણવામાં આવે છે. કોઇનો પુત્ર સારો હોય..માતા પિતાની સારી રીતે સંભાળ રાખતો હોય તો તુરત કહેવાય છે..શ્રવણ જેવો દીકરો છે. અલબત્ત આજના શ્રવણને કાવડ લઇને માતા પિતાને ફેરવવાની જરૂર નથી. માતા પિતાની સંભાળ લે..થોડો સ્નેહ આપે..થોડો સમય આપે..બસ..એનાથી વધારે અપેક્ષા આજના માતા પિતા રાખતા પણ કયાં હોય  છે ? એટલાથી પણ તેઓ  સંતોષ અનુભવી શકે છે. પુત્રના નામે ઓળખાઇને પિતા ગૌરવ અનુભવી શકે છે. પુત્ર પાંચમાં પૂછાતો હોય ત્યારે  માતા પિતાની છાતી ગર્વથી ફૂલે છે.
આજે સાંપ્રત સમયમાં માબાપ અને પરિણિત પુત્ર વચ્ચેના સંબંધોમાં એક પ્રશ્નાર્થ આવતો અનુભવાઇ રહ્યો છે. કયાંક કંઇક તો ખોટું થઇ રહ્યું  છે એવી છાપ ઝિલાય છે. વૃધ્ધાશ્રમો ભરાતા રહે છે.. તેમાં રહેવા માટેના લાંબા  વેઇટીંગ લિસ્ટ  એક વાતની સાક્ષી અચૂક  પૂરાવે છે કે  બંને પક્ષે કયાંક કશુંક  ખૂંચે કે  ખૂટે  છે. બંને પક્ષે વત્તે ઓછે અંશે એક કે બીજા પ્રકારના પ્રશ્નો જરૂર છે. કયાંક મા બાપને વાંધો છે તો કયાંક સંતાનોને તકલીફ છે.  અંતરની લાગણીના તાણાવાણા જયારે જોડાયેલા ન હોય ત્યારે આવું બનતું રહેવાનું. સમાજમાં સારી, નરસી બંને બાજુ જોવા મળતી રહે છે. અને મળતી રહેશે. બેમાંથી કયું પ્રમાણ વધારે છે તે ઉપરથી સમાજનું પ્રતિબિંબ ઝિલી શકાય.
જોકે  પરિસ્થિતિ ગમે તે હોય, આજે પણ  દીકરાની ઝંખના  દરેક સ્ત્રીની ભીતરમાં  રહે જ છે એ હકીકતનો ઇન્કાર થઇ શકે તેમ નથી જ. ઘણી વખત તો પુરૂષ કરતા પણ સ્ત્રીને દીકરાની ઇચ્છા વધારે હોય એવું બનતું પણ જોવા મળે છે. કેમકે સદીઓથી ચાલી આવતી આપણી  માન્યતાને લીધે દીકરાનો જન્મ તેને સમાજમાં ગૌરવ અપાવી શકે છે. આજના સમયમાં પણ સમાજની માનસિકતામાં બહું હરખાવા જેટલો ફરક નથી જ  આવ્યો.
વઢકણી વહુએ દીકરો જણ્યો  આવી કહેવત પાછળ આવું જ કોઇ કારણ હશે. દીકરો આવે એટલે વહુના માનપાન વધી જાય..વહુને લાવ્યાનું જાણે સાર્થક થઇ ગયું..વંશ આગળ ચાલ્યો ને? હવે હાશ..! આવી માન્યતા સમાજમાં આજે પણ  ઘણી જગ્યાએ મોજુદ છે જ.
મનમાં એક પ્રશ્ન જાગે છે..  આપણા સમાજની માનસિકતા બદલાતા હજુ વરસો લાગશે કે  સદીઓ ? જવાબ કોણ આપી શકે ? કયારે આપી શકે ? એવા કોઇ સમયની પ્રતીક્ષામાં…
માના વહાલ સાથે

No comments:

Post a Comment