ઘણા સમયથી કોંગ્રેસના કાર્યકરો અને આગેવાનો છુટક છુટક ભાજપમાં જોડાઈ રહ્યા છે. પરંતુ ઉત્તરાયણ પછી ભાજપમાં કોંગ્રેસના હોલસેલ પ્રવેશની તૈયારી ચાલે છે. ભાજપ કાર્યાલય પાસે ત્રણ-ચાર સિનિયર કાર્યકરો સાથે આ પ્રવેશોત્સવની વાતચીત ચાલી. એક કાર્યકરે કહ્યું, ''આમ તો જિલ્લા સંબધી ગોઠવણો ચાલતી હોવાથી આખા ગુજરાતની સ્થિતિની માહિતી નથી પરંતુ બહુ મોટી તૈયારી ચાલે છે એટલી ખબર છે.''
ભાજપ એ આપ નથી- ભ્રષ્ટાચાર બાજુમાં, યેદિયુરપ્પા ભાજપમાં
મોરારિબાપુની કામળી અને કેજરીવાલનું મફલર ચમત્કારી છે
બાબા રામદેવને હીરો થવા કેજરીવાલનો રંગ લાગ્યો
અન્ય કાર્યકરે પોતાના વિશેષજ્ઞાનનો લાભ આપતા કહ્યું, '' અમારી બી અને સી ગ્રેડની બેઠકોમાં સૌથી વધારે કોંગ્રેસના નેતાઓની જરૂર છે. ખાસ કરીને આદિવાસી પટ્ટામાં કોંગ્રેસના આદિવાસી નેતાઓને ભાજપમાં લાવવા પ્રયત્નો ચાલે છે. ક્ષત્રિય અને ઠાકોર આગેવાન અને ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વાટાઘાટો ચાલે છે. જ્યારે સૌરાષ્ટ્ર-કચ્છમાં કોળી, પટેલ અને આહિર આગેવાનો મોટા પ્રમાણમાં ટૂંક સમયમાં જોડાવાના છે.''
આ બે કાર્યકર્તાની વાત સાંભળી અન્ય ત્રીજા કાર્યકરે જરા મોં મલકાવી કહ્યું, ''કોંગ્રેસમાંથી કોઈ આગેવાન કે નેતાને ભાજપમાં લાવવા એ અઘરું કામ નથી. સત્તાના મધપુડામાં માખીઓને આમંત્રણ આપવું ન પડે પણ હવે અરવિંદ કેજરીવાલના નવા મધપુડાએ અમારા નેતાઓની ઊંઘ હરામ કરી દીધી છે. હવે તો ભાજપના નિષ્ઠાવાન અને પ્રામાણિક જે થોડા ઘણા મહત્ત્વના કાર્યકરો બચ્યા છે તેમને કેમ સાચવવા એની ચિંતા અમને છે. થોડા દિવસ પહેલા અરવિંદ કેજરીવાલ જેવું જ વ્યક્તિત્વ અને વિચારધારા ધરાવતા જૂનાગઢના ધારાસભ્ય મહેન્દ્ર મશરૂ આમ આદમી પાર્ટીમાં જોડાઈ રહ્યા છે એવી અફવા માત્રથી અમારા નેતાઓની ચિંતા અને દોડધામ વધી ગયા હતા. હજી તો તેમની શરૂઆત છે. જો ગુજરાતમાં આમ આદમી પાર્ટીની હવા વધુ તેજ બની તો ચૂંટણી સુધીમાં ઘણા નિષ્ઠાવાન આગેવાનો કેજરીવાલના મધપુડામાં ગોઠવાઈ જાય તો કહેવાય નહીં. કોંગ્રેસમાંથી મોટા પ્રમાણમાં આયાત કરીને બેલેન્સ વધાર્યા પછી જો આપમાં નિકાસ થવા લાગે તો સરકારની માફક ભાજપમાં પણ ખાદ્યપૂરક અંદાજો શરૂ થઈ જાય.''
આ કાર્યકર્તાને તેમના સાથી મિત્રોએ બોલતો અટકાવ્યો ''રહેવા દે ભાઈ રહેવા દે, તું ક્યા ભાજપની અગ્નિમાં હવા ફૂંકવાનું કામ કરે છે. તારે ને મારે આપમાં જવું નથી. આપણે કોઈને રોકી શકવાના નથી તો આપણે એની ચર્ચા શું કામ કરવી.''
ભાજપ એ આપ નથી- ભ્રષ્ટાચાર બાજુમાં, યેદિયુરપ્પા ભાજપમાં ભાજપ કાર્યાલય સામે ચોળાફળીની લિજ્જત માણતા કાર્યકર્તાઓએ દોઢ ડાહ્યા સાથે રાજકીય સમીક્ષાઓ શરૂ કરી એક કાર્યકરે કહ્યું, ''આ કેજરીવાલ ભલે દિલ્હીમાં ફાવી ગયા પણ લોકસભાની ચૂંટણીમાં એમનું કંઈ ના આવે. આપણા નરેન્દ્રભાઈ વડાપ્રધાન બનતા હવે કોઈ રોકી શકે તેમ નથી.''
અન્ય કાર્યકરે તીખી ચટણીના સિસકારા સાથે કહ્યું ''આપણે આમ આદમી પાર્ટીને નિગ્લેટ કરીશું તો પસ્તાવું પડશે. આપણને આપણા નરેન્દ્રભાઈ સિવાય બીજા કોઈ વડાપ્રધાનની ખુરશીમાં જોવા ગમે નહીં એ સાચું પણ આ તો રાજકારણ છે. દિલ્હીમાં મુખ્યમંત્રી શિલા દીક્ષિત તારી માફક જ અભિમાનથી કહેતા હતા કે 'અરવિંદ કેજરીવાલ ? કોણ કેજરીવાલ?' આવા અભિમાન સાથેના શબ્દોએ એમની હાલત શું કરી એ આખો દેશ જાણે છે.''
આ વાતને સમર્થન આપતા અન્ય કાર્યકરે તાપસી પુરાવી ''દેશમાં અરવિંદ કેજરીવાલે જે પ્રામાણિકતા અને ભ્રષ્ટાચાર વિરોધી હવા ઊભી કરી છે તેનાથી આપણા જેવા ચુસ્ત ભાજપીયાના ઘરમાં પણ બૈરી- છોકરા કેજરીવાલ સાથે સંમત થવા લાગ્યા છે. કેજરીવાલ સાચું જ કહે છે કે લાંચ આપવી કોઈનેય પસંદ નથી પરંતુ લાંચ એ પ્રજાની મજબૂરી બની ગઈ છે. જેથી પ્રામાણિકતાના આ યજ્ઞામાં સૌ કોઈ આહુતિ આપવા દોડવા લાગ્યા છે.''
દોઢ ડાહ્યાએ સવાલ કર્યો તમને ભ્રષ્ટાચારનો મુદ્દો ચૂંટણીમાં ચાલશે એ ખબર હોવા છતાં યદુરપ્પાને ફરી પાછા ભાજપમાં જોડીને ખોટું નથી કર્યું ? તો એક કાર્યકરે ઠાવકાઈથી જવાબ આપ્યો ''ભઈ ભાજપ એ આપ નથી ભ્રષ્ટાચાર મૂકો બાજુમાં અને યદુરપ્પાને લાવો ભાજપમાં - આ હું નહીં, અમારા મુખ્યમંત્રી માને છે. ગુજરાતમાં દસ વર્ષમાં કોંગ્રેસના નેતાઓ ભ્રષ્ટાચારના મુદ્દે રાડો પાડી પાડીને થાકી ગયા છતાં દેશ અને દુનિયામાં ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીની છબી વિકાસ પુરુષની ઊભી કરી શકાઈ છે. આજે પણ કોંગ્રેસના રાષ્ટ્રીય નેતાઓ આપણા નરેન્દ્રભાઈની હાઈફાઈ રેલીઓ અંગે ટીકા કરી રેલીના ખરચાની વિગતો જાહેર કરવા માગણી કરે છે. છતા અમારા એક પણ નેતાએ તેને ગણકાર્યા વિના આવી જ હાઈફાઈ રેલીઓના આયોજનો કર્યા છે. અમે કેજરીવાલ જેવા થવા જઈયે તો અમારો પ્રચાર જ બંધ થઈ જાય. હજુ તો માત્ર યદુરપ્પા જ આવ્યા છે. ચૂંટણી સુધીમાં તો દેશભરમાંથી વીણી વીણીને આવા કેટલાય યદુરપ્પા અમે ભાજપમાં ઠાલવી દઈશું.''
નાસ્તાનો કાર્યક્રમ પુરો કરી ભાજપી મિત્રો કાર્યાલયમાં ગોઠવાઈ ગયા.
મોરારિબાપુની કામળી અને કેજરીવાલનું મફલર ચમત્કારી છે.કોંગ્રેસના એક અગ્રણી સાથે ફોન પર ગપસપ ચાલતી હતી. સ્વાભાવિક જ અત્યારે રાજકીય ચર્ચાનો મુદ્દો આમ આદમી પાર્ટી રહે છે. આ કોંગ્રેસી મિત્રએ વાતમાં અટકીને એકાએક કહ્યું, '' તમે માર્ક કર્યું! આ અરવિંદ કેજરીવાલ દિલ્હીની ચૂંટણીના સમયથી જ ગળામાં હંમેશા એક મફલર રાખે છે. આ મફલર બદલતા પણ નથી. બ્રાઉન કલરનું તેમનું ગળામાં મફલર કેજરીવાલની જાણે ઓળખ બની ગયું છે. આપણા ગુજરાતમાં અત્યાર સુધી મોરારિબાપુની કામળીની ચર્ચા કરતા હતા કે મોરારિબાપુની સફળતા પાછળ અને લાખોની ભીડ માટે તેમની ચમત્કારી કામળી મહત્ત્વ ધરાવે છે. તેવી જ રીતે હવે દિલ્હીમાં એવી ચર્ચા ચાલે છે કે અરવિંદ કેજરીવાલને તેમના કોઈ ગુરુએ મંત્રોથી સિદ્ધ કરી આપેલું મફલર આપ્યું છે. ગળામાં આ મફલર રહેવાથી કેજરીવાલની સતત ઉન્નતિ થતી રહી છે. તેમને પણ મોરારિબાપુની માફક મફલરથી જ સફળતા અને ભીડ બંને સાંપડયા છે.''
આ મિત્રને પૂછયું કે દિલ્હી પહોંચી આની તપાસ તો કરો કે તેમના ગુરુ કોણ છે અને જાણવા મળે તો આવા બીજા બે-ચાર મફલરો સિદ્ધ કરીને મંગાવી લો.
મિત્રએ હાસ્ય સાથે કહ્યું, '' મને અને તમને જે વિચાર આવે છે એ દિલ્હીવાળાને નહીં આવ્યો હોય! અરે, દિલ્હીની બજારોમાં કેજરીવાલ ગળામાં વીંટે છે એવું બ્રાઉન કલરનું મફલર હવે ક્યાંય મળતું નથી એટલું વેચાણ થઈ ગયું છે છતાં અમારા દિલ્હીના નેતાઓએ આવું મફલર મેળવીને સિદ્ધ કરાવી રાહુલજીના ગળામાં પહેરાવી દેવું જોઈએ તેવું તો માનું જ છું.''
આ મિત્રને કહ્યું કે ભાઈ, કોઈ કામળી કે મફલર વ્યક્તિની ઓળખ માટે બરાબર છે પરંતુ સફળતા માટે તો શુદ્ધ આચાર વિચાર અને કર્મની જ જરૂર પડે છે અને એ તમે નહીં કરાવી શકો માટે મફલર શોધવાનું બંધ કરો, તમારો કોંગ્રેસનો ખેસ તમારા માટે બરાબર છે.
બાબા રામદેવને હીરો થવા કેજરીવાલનો રંગ લાગ્યો પ્રગતિનગર ગાર્ડનમાં સવારનું અજવાળું થતાં જ બાકડાઓ પર એક પછી એક નિયમિત સમીક્ષકો ગોઠવાવા લાગ્યા. છાપાના પાના એકથી બીજાના હાથમાં ફરવા લાગ્યા. એક શિક્ષકે મમરો મુકતાં કહ્યું, ''લે, આ બાબા રામદેવને હવે રહી રહીને આપણા નરેન્દ્રભાઈને સમર્થન આપવામાં શરતો મૂકવી પડી ! અત્યાર સુધી તો તેમણે નરેન્દ્રભાઈની પ્રશંસા જ કરી છે અને દેશના વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદી જ યોગ્ય હોવાનું સૌથી પહેલું તો તેમણે જ કહ્યું, તું. હવે ચૂંટણી નજીક આવી એટલે આલાપ બદલાયો.''
નિવૃત્ત બેંક મેનેજર ત્રિવેદીકાકાએ જવાબ આપ્યો ''આનું નામ જ રાજકારણ છે ભાઈ. બાબા રામદેવને આપણા નરેન્દ્રભાઈ જેટલી જ પ્રસિદ્ધિનો મોહ છે, નહીં તો એમને વળી રાજકારણમાં કૂદી પડવાની ક્યાં જરૂર જ હતી. હવે બન્યું છે એવું કે અરવિંદ કેજરીવાલ સાવ ટૂંકા સમયમાં અને વગર રૂપિયે દેશમાં હિરો થઈ ગયા એટલે બાબા રામદેવને પણ ઈર્ષા જાગી છે. અત્યારે જે રીતે મોદીનો પ્રચાર કરે છે તે રીતે પ્રચાર કર્યા કરે તો ફાયદો મોદીને થાય. આમાં બાબા રહી જાય. એટલે તેમણે કહેવાતી શરતોનું ડુંભાણું મૂક્યું છે. હવે પ્રસિદ્ધિ માટે એક નવો મેનિયા શરૂ થયો છે. વિવાદાસ્પદ વિધાનો કરો અને ચર્ચામાં રહો. બાબા રામદેવને પણ હવે હિરો થવું છે એટલે કેજરીવાલની ભાષા બોલવા લાગ્યા છે.''
સંઘના એક નિવૃત્ત ભટ્ટકાકાએ મલકાતા મલકાતા કહ્યું, ''તમે આ લોકોને ઓળખતા નથી. બાબા રામદેવે જે શરતો આગળ કરી એ બધી શરતો તો આપણા નરેન્દ્રભાઈએ જ તેમને આપી હશે. બાબા રામદેવ ભાજપનો એજન્ડા જાણીને જ આ બધું બોલ્યા હશે,શરતો મૂકવી અને શરતોનો સ્વીકાર કરવો-આ બધી ગોઠવણોથી જ થયું હોય. એટલે એમાં બાબા બદલાયા છે એવું કશું માનવાની જરૂર નથી.''
- જનક પુરોહિત
No comments:
Post a Comment