Friday, January 17, 2014

ઈંડા મૂકતાં સસ્તન
ધાવણ અને વાળ (રેડબડ ગામ ગપાટા, ન્યુ જર્સી)
અમારી રેડબડ સ્ટ્રીટમાં મોટાભાગે ગુજરાતીઓ રહે છે, જે રેડબડ રોડ તરીકે ઓળખાય છે. થોડા શ્વેતાશ્વેત અને થોડા ચાઇનીઝ મૂળના લોકો પણ રહે છે. આખી સ્ટ્રીટ અર્ધગોળાકાર રૂપે ફેલાયેલી છે. સામસામે મકાનો વચમાં રોડ, એક બાજુથી પ્રવેશ મેળવો અર્ધવર્તુળ ફરી બીજી બાજુથી બહાર નીકળી જવાય. એક મોટા એરીયામાં નાનું પાર્ક જેવું છે. એમાં વૉલીબોલ રમવાનું નાનકડું પાકું મેદાન, થોડા નાના બાળકોને રમવાના લપસણી જેવા સાધનો, થોડી લાકડાની પાટલીઓ પણ મુકેલી છે. અર્ધગોળાકાર ફેલાયેલી મકાનોની સામસામેની લાઈન આગળ ચાલવા માટેના પાકા વૉક વે પણ ખરા. દરેક મકાન આગળ કાર મુકવાના ડ્રાઈવ વે તો ખરા જ. સાંજ પડે વૉક વે પર સ્ટ્રીટનાં રહીશો ચાલવા નીકળી પડે. થાકે એટલે પાર્કમાં મુકેલી બેંચ પર બેસી ગામ ગપાટા મારે.
સ્ટ્રીટમાં ચારપાંચ ચક્કર મારી અંબુકાકા થાક્યા એટલે પાર્કમાં મુકેલી બેંચ પર આવીને બેઠા, ત્યાં થોડીવારમાં શાંતિભાઈ પણ આવી પહોચ્યા. કમલાબેન અને મંજુલાબેન ચાલી ચાલી થાક્યા તો એ પણ રોજ સાંજે ભરાતી મિટીંગમાં જોઈન થઇ ગયા. ૨૫-૩૦ વર્ષ પહેલા અમેરિકામાં આવીને વસેલી ગુજરાતી મહિલાઓમાં દર બે પાંચ મહિલાએ એકનું નામ મંજુલા નીકળે જ. આ બધાને જોઇને હું પણ ચલાવાનું મુલતવી રાખી આવીને બેસી ગયો. શાંતિભાઈ હાલ તો એક ડે કેઅર સેન્ટરમાં નોકરી કરે છે પણ મૂળ સૌરાષ્ટ્રનાં અને ભારતમાં હતા ત્યારે મનોવિજ્ઞાનનાં શિક્ષક હતા. ધોરણ અગિયાર અને બારમાં મનોવિજ્ઞાન ભણાવતા. એટલે એમની વાતોમાં મનોવિજ્ઞાન આવી જાય. અમારી રેડબડ ગામ ગપાટા મંડળીના બધા સભ્યો કાયમ હાજર હોય નહિ. પણ જે હાજર હોય તેમની વચ્ચે ગપાટા મારવાનું શરુ થઇ જાય.
મંજુલાબેન છએક મહિના પહેલા દાદી બન્યા હતા. એમની પૌત્રીને ધાવતી બંધ કરવાના ઉપાયો ઘરમાં સોચવાનું શરુ થઈ ગયું હતું. મંજુબેનને તે ગળે ઉતરતું નહોતું. કારણ એમના સંતાનો ઓછામાં ઓછું બે વર્ષ તો માતાના ધાવણ પર રહેલા જ હતા. એમનો બળાપો હતો કે "નૉની અમથી સોડી..નઅ. અતારથી દૂધ સોડાઈ દેવાનું? બચારી અજુ પૂરું ખાવાનું ય શીખી નહિ."
મને કહે અલ્યા રાઓલભઈ તમે બઉ વૉચો સૉ અન શૉન્તીભાઈ તમેય બઉ ઉશીયાર સૉ તો કૉક આ ધાવણ વિષે કૉ ને? અતારથી ધાવણ સોડાઈ દેવાનું
કીડી ખાઉં
કીડી ખાઉં
હારું કેવાય?
આપણ ને તો ચાન્સ મળવો જોઈએ ડહાપણ ડહોળવાની એક પણ તક જવા દઈએ નહિ. મેં શરુ કર્યું, "સસ્તન પ્રાણીઓમાં બે વસ્તુ મુખ્ય હોય છે, એક તો વાળ હોવા અને બીજું  મૅમલ એટલે સસ્તન પ્રાણીના બચ્ચાનું માતાને ધાવવાનું. આ બે ગુણધર્મ ઉત્ક્રાન્તિના ક્રમમાં બહુ વહેલા મળેલા છે. માતાના ગર્ભમાં બચ્ચુ ઉછરવાનું અને પછી જીવીત જન્મ આપવાનું પણ વિકાસના ક્રમમાં પછી મળેલું, તે પહેલા વાળ અને ધાવવાનું વિકસી ચૂક્યું હતું."
મંજુબેન બોલ્યા "ઉભા રો ઉભા રો, જરા ધીરે થી હમજાવો. અમુક સજીવો પહેલા ઈંડા મુકે છે એમાંથી બચ્ચા જન્મે છે. પછી એવા જીવો વિકસ્યા જેમના પેટમાં મતલબ ગર્ભમાં બચ્ચા ઉછરતા અને પુરા મહીને જન્મ લેતા. એના ય પહેલા આ વાળ અને ધાવવાનું વિકસી ચુક્યું હતું તેવું કહેવા માંગો છો?" મંજુબેન મહેસાણામાં હતા ત્યારે શિક્ષકા હતા એટલે સમજાય નહિ ત્યાં સુધી પીછો છોડે નહિ.
મેં કહ્યું બરોબર હું એજ કહેવા માંગુ છું, "વાળ અને ધાવવાનું પહેલું વિકસેલું ગર્ભમાં બચ્ચાં ઉછરવાનું પછી, વધુમાં ફૉસિલ રૂપે મળેલા સીધા પુરાવા જતાવે છે કે મૅમલ ૧૭૦ મિલ્યન વર્ષ પહેલા ચામડી પર ફરકોટ વિકસાવી ચૂક્યાં હતાં. ઇન્ડિરેક્ટ પૂરાવા તો વળી એવું દર્શાવે છે કે મૅમલ ૨૦૦ મિલ્યન વર્ષ કરતાં પણ પહેલાથી વાળ વિકસાવી ચૂક્યા છે. ફૉસિલ રિકૉર્ડ પ્રમાણે પ્રથમ મૅમલ ઉદભવ પામ્યા તે પહેલાનાં મૅમલ જેવાં જણાતાં એડવાન્સ સરિસર્પના લાંબાં સુંઢ જેવા નાક પર જ્યાંથી વાળ ઉગી શકે તેવા બારીક ખાડા જણાયા છે જ્યાથી મૂછ જેવુ ઉગી શકે. ડૉલ્ફિન જેવાં અક્વૅટિક મૅમલ એમના વાળ ગુમાવી ચૂક્યાં છે તે પણ હકિકત છે. માનવ પણ બીજાં મૅમલની જેમ વાળનું તગડુ પડ ધરાવતો નથી."
"પણ આ ધાવણની વાતોમાં વાળ વચમાં ક્યાંથી આવી ગયા?" અંબુકાકા બોલ્યા. મેં કહ્યું,
"ધાવવાનું તો અપવાદ વગર દરેક મૅમલમાં સામાન્ય હોય છે. પ્લૅટિપસ મૅમલ જે બતક જેવી ચાંચ ધરવતા હોય છે અને ઍન્ટઇટર(કીડી ખાઉં) બંને ઇંડા મૂકતા હોય છે પણ બન્ને વાળ અને આંચળ ધરાવતા હોય છે. ત્યાર પછી વિકસ્યા કાંગારુ જેવાં માર્સૂપિઅલ મૅમલ જે અવિકસિત જીવીત બચ્ચાંને જન્મ આપે અને પેટ ઉપર રહેલી કોથળીમાં બચ્ચાને ઉછેરે. વાળની સાથે ચામડી નીચે પરસેવો ઉત્પન્ન કરતી, ગંધ પેદા કરતી અને ઓઈલ પેદા કરતી ગ્રંથીઓ વિકસી. આ તૈલી ગ્રંથી sebaceous ગ્રંથીમાંથી જ દૂધ ઉત્પન્ન કરતી ગ્રંથીઓ વિકસી છે તેવું વૈજ્ઞાનિકોનું માનવું છે. આ દૂધમાં બાળક માટે ફક્ત પોષક તત્વો જ હોતા નથી, એમાં ઍન્ટિબાયૉટિક પણ હોય છે."
કમળાબેન કહે, "આ મારા દીકરાને તો દૂધ પીવે તરત ઝાડા થઇ જતા હોય છે માટે કદી દૂધ પીતો નથી."
મેં કહ્યું, "લગભગ પાંચ વર્ષની ઉંમરે બાળક લૅક્ટોસ પચાવે તેવું લૅક્ટેસ નામનું એન્ઝાઇમ પેદા કરવાનું બંધ કરી દેતું હોય છે. એટલે મોટાભાગના પુખ્ત લોકો લૅક્ટોસ પચાવી શકતા નથી. છતાં અમુક સમાજોમાં ડેરી પ્રોડક્ટ લેવાનું સામાન્ય અને નિયમિત હોય છે તે લોકોમાં ગૌણ અનુકૂલન તરીકે લૅક્ટોસ ટૉલરન્સ જિનેટીક સિસ્ટમ વિકસી જતી હોય છે. એશિયન લોકો કરતાં યુરોપિયન લોકોમાં લૅક્ટોસ ઇનટૉલરન્સ રેટ ઓછો જોવા મળે છે. વૈજ્ઞાનિકોનું માનવું છે કે ઉત્તર આફ્રિકા અને સેન્ટ્રલ યુરોપના પશુપાલન કરતા સમાજોમાં આશરે ૭૫૦૦ વર્ષ પહેલાં આવું લૅક્ટોસ પચાવે તેવું જિનેટીક મૉડિફિકેશન થયું હોવું જોઇએ. એટલે બધાને દૂધ પચે નહિ તે હકીકત છે. પહેલા તો એવું કહેવાતું કે કોકેશિયન મૂળના લોકો સિવાય બીજા લોકોને દૂધ પચે જ નહિ."
કમળાબેન કહે એનો મતલબ બાળક પાંચ વર્ષ સુધી ધાવે તેવી વ્યવસ્થા કુદરતે જ મુકેલી છે.
મેં કહ્યું સાચી વાત છે. આપણા હન્ટર-ગેધરર પૂર્વજો બાળકોને પાંચ વર્ષ સુધી ધવડાવતા જ હતા. ધાવણ વિષે થોડી મનોવૈજ્ઞાનિક વાતો આ શાંતિભાઈ કરે તો ઓર જાણવા મળે.
શાંતિભાઈ કહે હવે આજે તો હવે મોડું થઈ ગયું છે. જમવાનો સમય પણ થઈ ગયો છે, કાલે મળીશું તો જે જાણું છું તે કહીશ.images-=
આમ અમારી રેડબડ ગામ ગપાટા મંડળી છૂટી પડી

No comments:

Post a Comment