Monday, November 11, 2013

hdb

(ગદ્ય સૉનેટ)
સમયના સળ ચહેરા પર પડ્યા ન હોય, મકાનની એવી હાલત છે,
રંગના પોપડાં ઊખડી ગયા છે કદાચ શુંનું શું સાથે લઈને, પ્લાસ્ટર
ચીરીને ક્યાંક હવા તો ક્યાંક અંધારું મથી રહ્યાં છે અંદર ઉતરવા,
દીવાલો-ગોખલાંઓ રમી રહ્યાં છે કરોળિયાઓ સાથે. અવાવરૂ ઇચ્છા
જેવા એકાદ-બે પીપળા પણ ફૂટી આવ્યા છે નાના-મોટા.વરસાદને
રુચિ ગઈ હોય એવી એકાદ-બે જગ્યાએ શેવાળ પણ ફૂટી નીકળી છે.
આપણુંય આમ તો આવું જ ને ! સમયના થપાટે ક્યાંક કરચલી,
ક્યાંક સફેદી; ક્યારેક કમર, ક્યારેક ઘૂંટણ; કદીક શું, કદીક શું નહીં!
નાના-મોટા ભૂકંપ, પૂર, આગ,
પોપડાં-તડ-શેવાળ વિ. વિ.
એકદા એકાદા કુંડાળામાંય ગરી નહોતો ગયો આ પગ? હા, હાસ્તો.
પણ તેં સમય પર સાચવી લીધું હતું ને બધું સચવાઈ ગયું, હં ને!
પણ કહે મને, પ્રિયે ! કહે છે કોણ કે આ ચુંબનોને કાટ લાગે છે ?!
આ જો… જો આ… હજી આટલા વરસેય મારાં એક-એક રૂંવાડાં…

No comments:

Post a Comment