બોધકથા - કિરણ પટેલ
ને ત્રહીન વિઠ્ઠલ ભક્ત કાત્યાન પોતાના નગરથી દૂર આવેલા એક પહાડ પર સ્થિત મંદિરમાં આયોજિત એક મેળામાં જઈ રહ્યો હતો. આ મેળામાં ભક્તોનું ઘોડાપૂર ઉમટયું હતું. તે ઉત્સાહભેર ભગવાન વિઠ્ઠલનાં ભજનો ગાઈ રહ્યો હતો. બાળકો, નવજવાન,વયસ્ક સ્ત્રી-પુરુષો અને વૃદ્ધો પણ વિઠ્ઠલનું નામ લેતાં લેતાં પહાડ ચઢી રહ્યાં હતાં. કાત્યાનને જોઈને એક યુવકે પૂછયું, "પહાડ તો ઘણો ઊંચો છે અને હજુ સુધી તમે ચોથા ભાગનો પહાડ જ ચઢયા છો. તમે ત્યાં કેવી રીતે પહોંચશો?"
કાત્યાને હળવા સ્મિત સાથે કહ્યું, "મિત્ર, હું તો માત્ર મારું શરીર લઈ જઈ રહ્યો છું. મારો આત્મા તો ક્યારનોયે ઉપર વિઠ્ઠલ પાસે પહોંચી ચૂક્યો છે."
નેત્રહીન કાત્યાનના આ જવાબે તે યુવકમાં જોશ ભરી દીધો અને તે વિઠ્ઠલનો જયકાર કરતો પહાડ ચઢવા લાગ્યો. તે પોતાનાં થાક અને કષ્ટ ભૂલી ગયો.
જ્યારે કાત્યાન સહિત બધા ભક્તો ઉપર મંદિરે પહોંચી ગયા ત્યારે એક ભક્તે કાત્યાનને પૂછયું, "તમે આટલાં બધાં કષ્ટ વેઠીને આટલે ઉપર શા માટે આવ્યા? તમારી તો આંખો જ નથી. તો ભગવાનનાં દર્શન કેવી રીતે કરશો?"
આ સાંભળી કાત્યાને થોડા ભાવુક બનીને કહ્યું, "મિત્ર, હું ભલે વિઠ્ઠલને ન જોઈ શકું, પરંતુ મારો વિઠ્ઠલ તો મને જોઈ શકે છે. વિઠ્ઠલ મને દરેક ક્ષણે જોઈ રહ્યા છે. જે બધાને જુએ છે, તેને હું દેખું કે ન દેખું, તેનાથી શો ફરક પડે છે?"
No comments:
Post a Comment